મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ તબલીગી જમાત ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં મરકજમાં હજારો લોકો એકત્ર થવાના કારણે તબગીલી જમાત અત્યારે ચર્ચાનો વિષય બની ગયા છે. દિલ્હીના તબલીગી જમાત કાર્યક્રમમાં કોરોના વાયરસનાં સંક્રમણનો સૌથી મોટો કેસ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ જમાતમાં વિદેશીઓ સહીત દેશનાં ૧૧ રાજ્યોના લોકો સામેલ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાતનાં પણ અમુક લોકો દિલ્હી ગયા હોવાની માહિતી મળતા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ તપાસના આદેશ ક્રાઈમબ્રાન્ચને આપી દીધા છે.

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં તબલીગી જમાત સાથે અનેક લઘુમતીઓ જોડાયેલા છે ત્યારે અરવલ્લી જીલ્લાના પ્રજાજનોમાં પણ ફફડાટ ફેલાયો છે, અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્રએ આ અંગે સર્વે અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ અંગે જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, દિલ્હીનાં નિઝામુદ્દીનમાં ૧૩ માર્ચથી ૧૫મી માર્ચ સુધી થયેલી તબલીગી જમાતની ધાર્મિક સભામાં મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાનો કોઈ પણ વ્યક્તિ સામેલ થયો નથી. સરકાર તરફથી આપવામાં આવેલા તબલીગી જમાતની સભામાં સામેલ થયેલાઓના લિસ્ટમાં મોડાસા શહેર સહીત કોઈ પણ વ્યક્તિનું નામ નથી તેમ છતાં તકેદારીના ભાગરૂપે સર્વેની કામગીરી હાથધરી તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી તબલીગી જમાતમાં ગયેલા લોકોના સંપર્કમાં પણ કોઈ આવ્યું હોય તો તેની પણ તપાસ હાથધરવામાં આવી હોવાનું જણાવી જો કોઈ વ્યક્તિને ધ્યાનમાં આવું કઈ હોય તો ધ્યાન દોરવા આહવાન કર્યું હતું.

હાલ તો, દિલ્હીનાં નિઝામુદ્દીનમાં ૧૩ માર્ચથી ૧૫મી માર્ચ સુધી થયેલી તબલીગી જમાતની ધાર્મિક સભામાં મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાનો કોઈ પણ વ્યક્તિ સામેલ થયો ન હોવાથી વહીવટી તંત્ર,પોલીસતંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.