બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): નવેસરથી આવકારાયેલો કોરોનાકાળ ચાલી રહ્યો છે. મંદિરો બંધ અથવા અંશતઃ બંધ હતા. પ્રસાદ વગરના ઓનલાઇન દર્શનથી લોકો ટેવાઈ ગયા હતા. સોમનાથના પ્રસિધ્ધ જ્યોતિર્લિંગના કેટલા લોકોએ ઓનલાઇન દર્શન કર્યા તેના વિગતવાર આંકડા નિયમિતપણે જાહેર થઈ રહ્યા છે. સોમનાથ મહાદેવ રૂબરૂ દર્શન કરવા જઇએ તો પ્રવેશદ્વારે જ દર્શનાર્થી મહિલા – પુરુષ અને બાળકોએ કેવો પહેરવેશ પહેરવો તેની સૂચના આપતું પાટિયું લટકે છે. સૂચના છે એટલે ચોકિયાતો એનો અમલ પણ કરાવે છે.

આ સોમનાથના ધારાસભ્ય પહેરવેશને કારણે ચર્ચામાં છે. ના, તેઓ મહાદેવના દર્શને ન્હોતા ગયા, પરંતુ ગુજરાત વિધાનસભા ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવવા બદલ ચર્ચામાં છે. તેમનું નામ વિમલ ચુડાસમા. એકતાલીસ વર્ષના યુવાન છે. અંગ્રેજી મીડિયમમાં બી.કોમ ભણેલા છે. ગૃહમાં ટી-શર્ટ પહેરીને આવવા માટે પહેલા ઠપકો પામ્યા અને ફરીને એ જ કર્યું તો 15મી માર્ચ 2021ની બપોરે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ તેમને ગૃહ છોડી દેવાનો આદેશ આપ્યો – પહેરેલા કપડે ગૃહમાંથી ચાલ્યા જવાનો હુકમ થયો. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા પણ કદીકને ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવે છે. મંત્રી તરીકે અધ્યક્ષ સામે ઉભા થઇને સભ્યોના સવાલોના જવાબ પણ આપે છે, પરંતુ સ્પીકર સાહેબની નજરમાં એ આવ્યા નહીં. રાદડીયા અટકનો પ્રતાપ જ એવો હશે.


 

 

 

 

 

વિમલભાઈએ અધ્યક્ષને જણાવ્યું કે આ જ ટી-શર્ટ પહેરીને મેં ઉમેદવારી નોંધાવી હતી, મતદારો સમક્ષ ગયો હતો અને તેમણે મને ખોબલે ખોબલે મત આપી અહીં મોકલ્યો છે. તેમની આ દલીલ ચાલી નહીં. જો કે એમણે સ્પીકર મહોદયને એ ન જણાવ્યું કે ચૂંટાઈ આવીને અહીં ગાંધીનગર પહોંચ્યા પછી ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા પ્રકાશિત થયેલી ધારાસભ્યોની સંપર્ક પુસ્તિકા અને પરિચય પુસ્તક એમ બન્નેમાં તેમનો ટી-શર્ટ પહેરેલો ફોટો જ છપાયો છે. ટી-શર્ટથી ચર્ચામાં આવેલા વિમલ ચુડાસમા હવે જે કંઈ પહેરવેશમાં વિધાનસભા આવશે, સમાચારમાં સ્થાન પામશે એ નક્કી છે.

પહેરવેશને કારણે ચર્ચામાં આવ્યા હતા એવા ગુજરાતના પહેલા ધારાસભ્યનું નામ છે શક્તિસિંહ ગોહિલ. હાલમાં તેઓ કૉંગ્રેસ પક્ષ વતી રાજ્યસભામાં ગુજરાતના પ્રતિનિધિ છે. 1990માં યોજાયેલી આઠમી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાવનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર પહેલી વાર ચૂંટાઈ આવ્યા હતા. યુવાન, દેખાવડા અને વ્યવસાયે વકીલ હતા. એ સમયે જનતાદળ – ભારતીય જનતા પક્ષની સંયુક્ત સરકારમાં ચીમનભાઈ પટેલ સોળ વર્ષ પછી બીજી વાર મુખ્યમંત્રી બન્યા હતા. આમ તો ઘણા બધા સમાચાર તેમની આસપાસ જ કેન્દ્રિત થતા હતા. પરંતુ આઠમી વિધાનસભાની પહેલી બેઠક મળી ત્યારે શક્તિસિંહ ગોહિલ સમાચારમાં સ્થાન પામ્યા, પહેરવેશને કારણે. ત્રીસ વર્ષના યુવાન શક્તિસિંહ ગોહિલ વિધાનસભામાં પહેલા દિવસે હાજરી આપવા આવ્યા ત્યારે જીન્સ – ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. એ સમયે નરોડા-અમદાવાદ સ્થિત અરવિંદ મીલે નવા-સવા બનાવેલા ડેનીમ જીન્સ કાપડના પેન્ટ પહેરવાની ફેશન શરૂ થઈ હતી. શક્તિસિંહ ગોહિલ એ ફેશનને જ અનુસર્યા હતા. અખબારી ફોટોગ્રાફરો હાજર હતા. તેમની આંખો આજ સુધી ધોતિયું – ઝભ્ભો, લેંઘો – ઝભ્ભો, પેન્ટ – શર્ટ કે સાડીનો પહેરવેશ પહેરેલા ધારાસભ્યોને જોવા ટેવાયેલી હતી. પહેલી વાર કોઈ ધારાસભ્યને તેઓ સૌ પેન્ટ-શર્ટથી આગળ ગણાય એવા આધુનિક પહેરવેશમાં જોઈ રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલની ફટાફટ તસવીરો લેવાવા માંડી. બીજે દિવસે ગુજરાતભરના મુખ્ય અખબારોમાં તેમની એ તસવીર પ્રકટ થઈ – એવી ફોટોલાઇન સાથે કે ‘ગુજરાતના રાજકારણનું કલેવર હવે બદલાઈ રહ્યું છે.’


 

 

 

 

 

પીપીઈ કીટનો પહેરવેશ સમાચારમાં એવરગ્રીન છે અને માસ્ક નહીં પહેરવા માટે એક હજાર રૂપિયાનો રોકડ દંડ અમલમાં છે. એવા સમયે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એકસો એંસી ધારાસભ્યોના પહેરવેશ પર નજર રાખી રહ્યા છે. ટી-શર્ટનો મુદ્દો આગળ કરી રહ્યા છે. તો તો પછી ચોક્કસ કહેવું પડે કે મહિના દિવસ પછી બાસઠમો સ્થાપના દિવસ ઉજવનારા ‘ગુજરાત રાજ્યના અને ગુજરાતના રાજકારણના કલેવર બદલાયા નથી.’

ગુજરાતી ભાષાના એક કવિ છે. નામ ચંદ્રકાન્ત શાહ. મૂળ ગુજરાતી – મુંબઈવાસી અને ત્રીસેક વર્ષથી અમેરિકામાં રહે છે. 2000ની સાલની આસપાસ પ્રકાશિત થયેલા તેમના કાવ્યસંગ્રહનું નામ છે ‘બ્લુ જીન્સ’. આ કાવ્યસંગ્રહમાં જીન્સ વસ્ત્ર-પરિધાનને કેન્દ્રમાં રાખીને એકથી વધુ કાવ્યો લખાયેલા છે. ગુજરાત વિધાનસભાની લાઇબ્રરિ સમૃધ્ધ છે. ગૃહમાં સ્થાન નહીં પામી શકેલા જીન્સ – ટી-શર્ટની કવિતાઓનું પુસ્તક તેની લાઇબ્રરિમાં સ્થાન પામ્યું છે કે નહીં? તપાસ કરવી પડશે. તમે વધુ કંઈ તપાસ કરો એ પહેલા જણાવી દઉં કે કવિ ચંદ્રકાન્ત શાહ ઉર્ફે ચંદુ શાહ એટલે ગુજરાતી ભાષાના હાસ્ય લેખક સદગત તારક મહેતાના જમાઈ. સાથે – સાથે મારે એ પણ જણાવવું જોઇશે કે ગુજરાત સરકાર પ્રેરિત ‘હાસ્યકાર રમણભાઈ નીલકંઠ પુરસ્કાર – સન્માન’ તારકભાઈના અવસાન પછી તેમના પરિવારને એનાયત કરનાર વ્યક્તિ રાજેન્દ્રભાઈ ત્રિવેદી જ હતા. અધ્યક્ષ થયા એ અગાઉ તેઓ ગત સરકારમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા. ત્રિવેદીભાઈને કહેવું પડશે, ‘જીને દો ઔર એમએલએ કો જીન્સ પહનને દો.’