મેરાન્યૂઝ નેટવર્ક.ન્યૂજર્સીઃ અમેરિકાના ન્યૂજર્સી સ્થિત શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના રોબિન્સવિલેમાં આવેલા મંદિરમાં ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ)ની રેડ થઈ છે. એક રિપોર્ટ અનુસાર ભારતથી સેવાના નામે લાલચ આપી આ મંદિર નિર્માણ માટે વ્યક્તિઓને લાવવામાં આવતા હતા અને ત્યાં જ કલાક દીઠ માત્ર 1 ડોલર મહેનતાણું આપવામાં આવતું હતું. આ ઉપરાંત પાસપોર્ટ પણ મંદિર દ્વારા જપ્ત કરી લેવામાં આવતો હતો. રીતસર વ્યક્તિને ત્યાં જ ગોંધી રાખવામાં આવતો જેની ફરિયાદ કોર્ટમાં થતાં આ કાર્યવાહી થઈ છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, અંદાજે 200 કામદારોએ આ સંદર્ભમાં આરોપ લગાવ્યા છે કે તેમને પ્રતિ કલાકના 1.20 ડોલર ચુકવવામાં આવતા હતા જે લઘુત્તમ વેતનથી ઘણું ઓછું છે. કાયદા પ્રમાણે તેમને પ્રતિકલાકના ઓછામાં ઓછા 12 ડોલર મળવા જોઈએ. તેમનું કહેવું છે કે અમને દિવસમાં 13 કલાક કામ કરવાની પણ અહીં ફરજ પાડવામં આવી રહી છે અને અઠવાડિયાના તમામ દિવસો પણ, અમે એક શરણાર્થીઓની જેમ ટોળામાં રહીએ છીએ. અમને તે પરિસર છોડવાની પરવાનગી ન્હોતી, અને માલીકો દ્વારા મૌખીક રીતે દુર્વ્યવહાર પણ કરવામાં આવતો.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ મંગળવારે આ મંદિરમાં રેડ કરી છે. તપાસમાં હોમલેન્ડ સિક્યોરિટી અને લેબર ડિપાર્ટમેન્ટ પણ જોડાયું છે. કામદારોના વકીલે આ અંગે કોર્ટમાં ફરિયાદ કરી હતી. ભારતમાંથી સારી નોકરીની લાલચ આપી કામદારોને અમેરિકા બોલાવવામાં આવતા જ્યાં ન્યૂજર્સીમાં રોબિન્સવિલેના મંદિર નિર્માણ કાર્યમાં તેમને જોડાતા અને અહીં જ ગોંધી રાખવામાં આવતા હોવાનો અને તેમને પુરતો આરામ પણ કરવા ન દેવાતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

શ્રમીકોને અહીં પહેલા ધાર્મિક વિઝાની આર-1 કેટેગરી મુજબ ધર્મપ્રચારક તરીકે અમેરિકા લવાતા અને બાદમાં સરકાર સમક્ષ સ્વયંસેવક તરીકે પ્રસ્તુત કરાતા. તેમની પાસે ઘણા બધા સંખ્યાબંધ દસ્તાવેજો પર સહીઓ કરાવાતી. જે પછી યુએર એમ્બેસીમાં સ્ટાફ સામે પોતે કુશળ શિલ્પકાર કે ચિત્રકાર છે તેવી ઓળખ આપતા શિખવ્યું અને પછી મંદિરની સાઈટ પર તેમની પાસે મજુરી કામ કરાવવામાં આવતું. જ્યાં તેમને 13 કલાકની નોકરી કરાવાતી પરંતુ તેમાં માંડ મહિને તેમને 450 ડોલર જેવું ચુકવાતું. સાત્વીક આહારના નામે તેમને બાફેલા બટાટા અને કોબીજના શાક પર જીવવું પડતું હતું. એક નાની અમથી ભુલમાં પણ તેમના પગારમાં કાપ મુકી દેવાતો હતો તેવા પણ આરોપો લાગ્યા છે. 

જોકે આ તમામ આરોપો સામે હવે જીણવટથી તપાસ થશે અને આગળની કાર્યવાહી થશે. એફબીઆઈએના પ્રવક્તાએ પણ આ બાબતની પૃષ્ટી આપતા કહ્યું કે, તેમના એજન્ટ્સ મંદિરની સાઈટ પર ગયા હતા જોકે તેમણે આ બાબતે કાંઈ કહ્યું ન્હોતું.