પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): Tv9ના અમદાવાદ સ્થિત પત્રકાર જીગ્નેશ પટેલ કોરોના સંક્રમિત થયા પછી તા. 16મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલના કોરિડોરમાં જીગ્નેશ પટેલ સારવારની ભીખ માગતા સાતથી આઠ કલાક બેસી રહ્યો સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર મલ્હાનની સામે સારવાર મળે તેવી વિનંતિ કરતાં જીગ્નેશની આંખમાં આંસુ આવી ગયા. અમદાવાદ મ્યૂનિસિપલ કમિશ્નર મુકેશ કુમારને આ ક્ષણે એટલું જ પુછવાનું મન થાય છે ભગવાન ન કરે પણ જો તમારા દિકરાને કોરોના થયો હોત તો તેની સાથે પણ તમારું તંત્ર આવો જ વ્યવહાર કરતું? જીગ્નેશ પટેલ નખશિખ પત્રકાર છે, તેનું કામ લોકોના પ્રશ્નને તમારા સુધી પહોંચાડવાનું છે, સંભવ છે કે જીગ્નેશના કામ અને વ્યવહારને લઈ કોર્પોરેશન અને કોર્પોરેશનના અધિકારીઓને વાંધો હોઈ શકે, પણ ડોક્ટરનું કામ સેનાના જવાનો અને અધિકારીઓ જેવું છે, ભારતીય સેના કોમ, પ્રાંત, જ્ઞાતિ અને ભાષા જોયા વગર દેશનું રક્ષણ કરવાનું કામ કરે છે તેવી જ રીતે ડોક્ટરએ પણ પોતાના ગમા અણગમા અને જાતપાત જોયા વગર માણસ બચાવવાનું કામ કરવાનું છે.

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના સર્વોચ્ચ પદ પર બેઠા પછી મુકેશ કુમાર એક પત્રકારનો જીવ બચાવવા માટે જો મદદરૂપ ન થઈ શકે તો તેમણે પાસ કરેલી યુપીએસસીની પરીક્ષા, તેના માટે કરેલી મહેનત, તેમનો પરિવાર તેમના માટે લઈ રહેલો ગૌરવ અને તેમનું આ પદ ધૂળ સમાન છે. ગુજરાતના બ્યૂરોકેસીની લડાઈમાં કમિશનર પદે આવવું અને ત્યાં ટકી રહેવું તે મુકેશ કુમાર માટે મુશ્કેલ કામ છે છતાં મુકેશ કુમારની પ્રાથમિક્તા તો માણસ બચાવવાની જ હોય. એક પત્રકારે અથવા તેની સંસ્થાએ એવી કોઈ સ્ટોરી કરી કે જે કોર્પોરેશન માટે અપેક્ષીત ન્હોતી, કદાચ તે સ્ટોરીના કારણે માઠું પણ લાગ્યું હોય, પણ તેની સજા કોઈનો જીવ લઈને કરી શકાય નહીં.


 

 

 

 

મ્યૂનિસિપલ કમિશનર મુકેશ કુમાર, ડેપ્યૂટી કમિશનર ઓમ પ્રકાશ અને ડોક્ટર મલ્હાન બોલ્યા વગર જે નિષ્ઠુરતા પૂર્વક વ્યવહાર કરી રહ્યા હતા તે ત્રણેય અધિકારીઓને એક સવાલ છે કે તમારા કોઈ સ્વજન સાથે પણ તમારે મનદુઃખ હોય અને તે જો કોરોનાગ્રસ્ત થાય તો તમે તેમની સાથે પણ આટલી જ નિષ્ઠુરતા દાખવશો? ઘટના એક પત્રકાર જીગ્નેશ પટેલની નથી, પણ ઘટના અધિકારીઓ અને સરકારમાં મરી રહેલી માનવતાની છે. ગુજરાત બ્યૂરોકેસી હમણાં મુંઝવણમાં છે કારણ કે સત્તાના સૂત્રો બે છે, ગુજરાતના મુખ્યમંત્રી પદે વિજય રુપાણી હોવા છતાં કે કૈલાશનાથન એક સમાંતર સરકાર ચલાવે છે.

કૈલાશનાથન દિલ્હીથી આદેશ મેળવે છે અને તેમનું સામ્રાજ્ય ચલાવે છે, ગુજરાતના બ્યૂરોકેટ્સને ખબર છે કે વિજય રુપાણી નારાજ થાય તો ચાલશે પણ કૈલાશનાથનની નારાજગી મોંઘી પડી શકે છે. તાજેતરમાં જ ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ જે એન સિંગે કૈલાશનાથનના પેંગડામાં પગ ઘાલવાના પ્રયત્ન કર્યા જેનો જવાબ હવે તેમણે ઈડીની ઈન્ક્વાઈરીમાં આપવાનો છે.

કૈલાશનાથન સનદી અધિકારી હોવા છતાં રાજકારણના માહીર ખેલાડી છે. તેમણે પોતાના સોગ્ઠા ગોઠવી રાખ્યા છે. જીગ્નેશ પટેલને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે તેવો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આદેશ છતાં મુકેશ કુમાર એ આદેશને ઉથાપવાની હિંમત એટલા માટે કરે છે કારણ કે તેઓ સીધો આદેશ સનદી અધિકારી રાજીવ ગુપ્તા પાસેથી લે છે. રાજીવ ગુપ્તા કે. કૈલાશનાથનની પ્રથમ હરોળના અધિકારી છે. મુકેશ કુમાર અને રાજીવ ગુપ્તા સારી રીતે જાણે છે કે, નીતિન પટેલ જ નહીં પણ વિજય રુપાણી પણ તેમનું કાંઈ બગાડી શકે તેમ નથી. તેમને વિજય રુપાણીની તાકાત કરતાં કૈલાશનાથનના ચાતુર્યમાં વધુ ભરોસો છે. આ જ સ્થિતિને કારણે જીગ્નેશ પટેલને કલાકો સુધી સારવારથી વંચિત રહેવું પડ્યું હતું.

કુદરતની લાઠીમાં અવાજ હોતો નથી, પોતાની શક્તિ, પદ અને સત્તા પર ગુમાન કરતાં આ અધિકારીઓએ એક વખત વિચારવું જોઈએ કે તેમનો હિસાબ રાજીવ ગુપ્તા કે કૈલાશનાથનના દરબારમાં નહીં પણ ઉપરવાળાના દરબારમાં જ્યારે થશે ત્યારે તેઓ શું જવાબ આપશે.