શૈલેષ નાઘેરા/તુષાર બસિયા (મેરાન્યૂઝ.સુત્રાપાડા): ગઈકાલે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડૂત સાયકલ યાત્રા કરી દિલ્હી જવા નિકળ્યા હતા. ખેડૂતની જમીનનું અંબૂજાને બારોબાર વેચાણ કરી દેવાયાના પ્રશ્ને ન્યાય નહીં મળતા તેઓ સાયકલ લઈ ગાંધીનગર સુધી યાત્રા કરી ચૂક્યા છે. છતાં પણ કોઈ ન્યાય નહીં મળતા તેઓ ગઈકાલે સાયકલ પર દિલ્હી જઈ પ્રધાનમંત્રીને રજૂઆત કરવા નિકળ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને તાલાલા બહારથી જ અટક કરી સાયકલ જપ્ત કરી લેવામાં આવી હતી.

ગઈકાલે મંગળવારે સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડૂત અરસીભાઈ રામ સાયકલ લઈ દિલ્હી જવા નિકળ્યાં હતા. મંગળવારે સવારે 4 વાગ્યાના સુમારે ભાલકા તિર્થ ખાતેથી દર્શન કરી સાયકલ યાત્રા શરૂ કરાઈ હતી. આ યાત્રા દિલ્હી પ્રધાનમંત્રી મોદીને મળવા માટે કરવામાં આવી હતી. 65 વર્ષીય ખેડૂત અરસીભાઈનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન બારોબાર અંબૂજા સિમેન્ટને વેચી દઈ છેતરપિંડી કરવામાં આવી છે. જેના માટે તેઓ છેલ્લા 18 વર્ષથી ન્યાય માંગી રહ્યા છે, છતાં કોઈ નિરાકણ આવેલ નથી. આ પ્રશ્ન માટે તેઓ ગાંધીનગર સુધી સાયકલ યાત્રા કરી મુખ્યમંત્રી પાસે ન્યાયની ધા નાખી ચૂક્યા છે. ગાંધીનગરની બહેરી-મૂંગી સરકારે ન્યાય નહીં અપાવતા હવે તેઓ દિલ્હી પ્રધાનમંત્રી પાસે જવાના હતા. પંરતુ તેમને તાલાલાની બહારથી જ રાત્રીના સમયે પોલીસે અટક કરી લીધા હતા.

આ મામલે સુત્રાપાડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ગાધે જણાવે છે કે, અમારા દ્વારા અટક નથી કરવામાં આવી પરંતુ તેમના પુત્ર ભગવાનભાઈ એ સમજાવી તેમના પિતાને યાત્રા બંધ રાખવા કહ્યું છે. હાલ કોરોનાની સ્થિતીમાં વૃધ્ધ પિતાની ચિંતાના કારણે તેમણે અમોને જાણ કરી, જેથી અમોએ ખેડૂત અરસીભાઈને સમજાવટ કરી પરત ઘરે મોકલ્યા છે. સાયકલ પણ જપ્ત કરવામાં નથી આવી તેવું પોલીસ જણાવે છે પણ અરસીભાઈના પુત્ર ભગવાનભાઈ કહે છે કે સાયકલ તાલાલા પોલીસ સ્ટેશનમાં છે. જે પોલીસ તેમને પહોંચાડી દેશે તેમ જણાવી તેમના પિતાને પોલીસ વાહનમાં તાલાલાથી સુત્રાપાડા લઈ ગયેલા.

આ મામલે પોલીસ ગોળ-ગોળ જવાબ આપે છે તો બીજી તરફ ખેડૂત પરિવાર લડી લેવાના મૂડમાં છે. વળી પોલીસે અરસીભાઈના કોઈ કાગળો પણ બનાવ્યા છે તેમજ જામીન આપવા માટે પણ કાલે પોલીસ સ્ટેશન જવાની વાત તેમના પુત્ર અને ભાણેજ દ્વારા જણાવાઈ રહી છે. સમગ્ર મામલે પોલીસની સંડોવણી છે કે સરકારની સૂચના એ તો તપાસનો વિષય છે, પરંતુ રાજ્યમાં પોલીસને લોકોના અવાજ દબાવવા માટે જ રાખવામાં આવી હોય તેમ જણાય છે. કદાચ સરકારે ખેડૂતને રોકવાના જેટલા પ્રયાસ કર્યા એટલા પ્રયાસ તેમને ન્યાય અપાવવા કર્યા હોત તો આ ઉંમરે ખેડૂતને સાયકલ યાત્રાઓ કરવી પડત નહીં. ખેડૂત અને તેમના પરિવાર હજૂ પણ યાત્રા કરવા મક્કમ છે પરંતુ પોલીસ તેમને રોકે છે તેમ જણાવે છે.