મેરાન્યૂઝ નેટવર્ક.તાલાલા: કૉગ્રેસ માટે એક પછી એક સારા સમાચાર આવી રહ્યા છે. માર્ચમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તાલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ આ મામલે કૉંગ્રેસના તાલાલા મત વિસ્તાર ના ધારાસભ્ય ભગવાન બારડ નું ધારાસભ્યપદ રદ કરવાના સરકારના નિર્ણય સામે સુત્રાપાડા કોર્ટે મોટી રાહત આપી તેમનું ધારાસભ્યપદ યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો.

તાલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડાની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી. સાથે જ કોર્ટે તેમને રૂ. 2500નો દંડ પણ ફટાકાર્યો હતો. કૉંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી હતી. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી વર્તમાન ધારાસભ્ય તરફથી 24 વર્ષ પૂર્વે ખનીજ ચોરી કરવામાં આવી હતી. આ મામલે તેમની સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો. ખનીજ ચોરી મામલે ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરાતા તેઓ છ વર્ષ સુધી કોઈપણ ચૂંટણી લડી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. જો કે મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા તેમને રાહત મળી હતી.

જૂલાઈમાં પૂર્વ ધારાસભ્ય ભગા બારડની સજા પર હાઇકોર્ટે સ્ટે ફરમાવ્યો હતો. વેરાવળ સેશન્સ કોર્ટે બારડની સજા પર સ્ટે નહીં આપવા માટે રજૂ કરેલા કારણો અયોગ્ય હોવાનું તારણ હાઇકોર્ટે રજૂ કર્યુ હતું. સેશન્સ કોર્ટે શા માટે સજા પર સ્ટે નથી આપ્યો તે અંગે હાઇકોર્ટે સેશન્સ કોર્ટ પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે રજૂ કરેલા જવાબને હાઇકોર્ટે સંતોષજનક ગણાવ્યા નહીં અને ભગા બારડની સજા પર સ્ટે ફરમાવી દીધો છે. બારડને ખનીજ ચોરીના કેસમાં 2 વર્ષ, 9 મહિનાની સજા ફટકારી હતી. સજા બાદ ભગા બારડનું ધારાસભ્યપદ રદ કરાયું હતું. દરમિયાન તેમની સજા પર સ્ટે ફરમાવાયો હતો. સજા મોકૂફીના કારણ જણાવવામાં ન આવતા હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. ભગા બારડ તરફથી એવી દલીલ કરાઇ હતી કે, આ મામલે પક્ષકારોને યોગ્ય રીતે સાંભળવામાં આવ્યા નથી. સરકાર તરફથી એવી દલીલ હતી કે, સેશન્સ કોર્ટમાં સજા મોકૂફી અંગેના કારણો માટે કોઇ નિર્ણય લેવાતો નથી.

'આ મામલે ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું હતું કે ' મારૂં સભ્યપદ રદ કરવામાં આવ્યું ત્યારે હું સેશન્સ કોર્ટ, હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટ તેના પર રોક લગાવી હતી. આ સ્ટેના આધારે મેં સરકારને અરજી આપી હતી. હાઇકોર્ટના ચુકાદા અને કાયદા અંતર્ગત મને જે રક્ષણ મળેલું છે, તેના મુજબ જ મને આજે ફરીથી સભ્ય તરીકે કાર્યરત કર્યો છે. મને ગઈકાલે પણ કાનુન પર વિશ્વાસ હતો અને આજે પણ છે. મારે આ કાનુની પ્રક્રિયા વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી. '