મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી સોશિયલ મીડિયા પર સીબીઆઈ તપાસની માગને લઈને ફેન્સ કેમ્પેઈન ચલાવી રહ્યા છે. સિનેમા અને રાજનીતિની ઘણી હસ્તીઓએ પણ સુશાંતની આત્મહત્યાની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવાની માગ કરી છે. તાજી જાણકારીઓ મુજબ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખએ સીબીઆઈ તપાસની માગને ફગાવી દીધી છે.

મીડિયા રિપોર્ટ મુજબ અનિલ દેશમુખએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલામાં સીબીઆઈ તપાસની જરૂર નથી. મુંબઈ પોલીસ આ મામલામાં તપાસ કરવામાં સક્ષમ છે. સીબીઆઈ તપાસની કોઈપણ માગને માનવામાં આવી નથી.

દેશમુખ કહે છે કે, મારી પાસે પણ કેમ્પેઈનના ઘણા ટ્વીટ આવ્યા છે પણ મને લાગે છે કે સીબીઆઈ તપાસની જરૂર નથી. મુંબઈ પોલીસ આ કેસને સોલ્વ કરવા લાગી છે. પોલીસે દરેક એંગલ તપાસ્યા છે અને હાલ પણ તપાસી રહી છે. તપાસ પુરી થતાં જ તેની અંતિમ રિપોર્ટની વિસ્તૃત જાણકારી જાહેર કરવામાં આવશે.

આપને યાદ અપાવી દઈએ કે આ પહેલા બિહારના પૂર્વ સાંસદ પપ્પૂ યાદવ, અભિનેતા સુમન, રુપા ગાંગુલી, રિયા ચક્રવર્તી અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સહિત ઘણા મોટા નામોએ આ કેસમાં સીબીઆઈ તપાસની માગ કરી છે. સોશિયલ મીડિયા પર પણ સુશાંતના ફેન્સ સીબીઆઈ તપાસને લઈને સરકારને વિનંતી કરે છે.

ગઈકાલે જ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પોસ્ટ લખી હતી જેમાં તેણે અમિત શાહને સંબોધીને કહ્યું હતું કે,  માનનીય અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગલ્ફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના દુનિયાથી ચાલ્યા ગયાને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. મને સરકાર પર પૂરો વિશ્વાસ છે, જો કે, ન્યાય માટે, હું આ બાબતે સીબીઆઈ તપાસ શરૂ કરવા માટે હાથ જોડીને પ્રાર્થના કરું છું. હું ફક્ત તે જાણવા માંગુ છું કે તેના પર એવું કયુ દબાણ હતું જેના કારણે સુશાંતે આવું પગલું ભર્યું. ઉલ્લેખનીય છે કે, રિયાએ હાલમાં એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો કે જેમાં તેને હત્યા અને બળાત્કારની ધમકી આપવામાં આવી હતી. રિયાએ તે ટ્રોલરને જવાબ આપ્યો હતો કે, આવું કૃત્ય કોઈપણ કિંમતે સહન કરી નહીં લંઉ.