મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના જીનતાન રોડ વિસ્તારમાં રહેતા દોશી પરિવારના એક પુત્રએ મિલકતમાં ભાગ અંગેના વિવાદમાં ગઇકાલે પોતાની જાતને આગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પંચાયતમાંથી નિવૃત્ત થયેલા કમલેશભાઇ દોશીના બે પુત્ર ગૌરાંગ અને અંકુર વચ્ચે મિલકત વહેચણીને લઇને વિવાદ થયો હતો. અંકુર અમદાવાદમાં નોકરી કરતો હોય તેને પિતાએ અમદાવાદમાં આવેલ 42 લાખની કિંમતનો ફ્લેટ આપ્યો હતો. જો કે ગૌરાંગ પણ આ ફ્લેટ તેને આપવામાં આવે તેવી માંગણી કરતો હતો. જેથી ગઇકાલે ગૌરાગે સુરેન્દ્રનગરમાં તેમની દુકાનમાં જઇ પેટ્રોલ છાંટી આગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટના અંગે ગૌરાંગના પિતાના કલેશભાઇના જણાવ્યા અનુસાર ગૌરાંગને ફ્લેટની અવેજમાં હું 42 લાખ રૂપિયા આપવાનું કહેતો હતો. પરંતુ ગૌરાંગ ફ્લેટ લેવાની જીદ કરી રહ્યો હતો. અમને ન્હોતી ખબર કે આટલી નાની વાતમાં તે આવું પગલું ભરી બેસશે.