મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ માર્ગ અકસ્માતોની ઘટનામાં ઘણા લોકોના જીવ અત્યાર સુધી ગયા છે. જોકે પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે બનેલી ઘટનાએ સહુ કોઈને સ્તબ્ધ કરી દીધા છે. આ ઘટનામાં 7 વ્યક્તિના જીવ ગયા છે. ઘટના એટલી ભયાનક હતી કે સાતેયને એક દર્દનાક મોત મળ્યું હતું. કાર ડમ્પર સાથે ભટકાઈ જેને કારણે અકસ્માત સર્જાયો હતો. કાર અને ડમ્પરના અકસ્માત સાથે કારમાં આગ લાગી ગઈ હતી. જે આગમાં સાત વ્યક્તિ જીવતા ભુંઝાઈ ગયા હતા.

સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર ડમ્પર સાથેના અકસ્માત બાદ એક ઈકો કાર સળગી ઉઠી હતી. આ આગમાં 7 વ્યક્તિઓ ખાખ થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ લોકો ચોટીલા દર્શન કરીને પરત આવતા હતા. આજે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો.  અકસ્માત એવી રીતે સર્જાયો હતો કે ડમ્પર આગળ જઈ રહ્યું હતું. જેમાં ઈકો કાર પાછળથી પુર ઝડપે ઘૂસી ગઈ હતી. ડમ્પર સાથે ભટકાતા સ્પાર્ક થયો જેને પગલે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. અકસ્માત બાદ આગ લાગી જતાં કારની અંદર બેસેલા લોકો બહાર નીકળી શક્યા નહીં. 

સુરેન્દ્રનગરના પાટડી ખેરવા ગામ પાસે થયેલા આ અકસ્માતમાં લોકો કારની આગમાં જીવતા ભડથું થઈ ગયા હતા. એક પીડાદાયક મૃત્યુના મંજરથી પસાર થયેલા આ અકસ્માતને જોઈ લોકો પણ અરેરાટી અનુભવતા હતા.