મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનરઃ ભાજપના સુરેન્દ્રનગર જિલ્લાના અગ્રણી નેતા જીણાભાઈ ડેડવારિયાની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાતા ચકચાર મચી ગઈ છે. તેઓ પોતાના વતન ચોટીલાથી પરત કારમાં આવી રહ્યા હતા ત્યારે તેમના પર ફાયરિંગ થયું હતું. જીણાભાઈ અંગે વાત કરીએ તો તેઓ અગાઉ વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ચોટીલાના હાલના ધારાસભ્ય ઋત્વીક મકવાણા સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં તેમની હાર થઈ હતી. તેમનો સમાવેશ ભાજપના આગળ પડતા જિલ્લાના નેતાઓમાં થાય છે.

તેઓ બ્લેક કલરની હ્યૂડાઈ વર્ના કારમાં ગાંધીનગરથી ચોટીલા પોતાના વતન પરત ફરી રહ્યા હતા. દરમિયાન એક્ટીવા પર આવેલા ત્રણ સવારીમાં ત્રણ શખ્સોએ કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક્ટિવા પર આવેલા ત્રણ શખ્સો પૈકીના પાછળ બેસેલાએ ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હવે તપાસનો વિષય એ છે કે આ ફાયરિંગ તેમને કોઈ કારણસર ડરાવવા માટે કરવામાં આવ્યું હતું કે પછી આ શખ્સો તેમનો જીવ લેવામાં નિષ્ફળ ગયા છે. ફાયરિંગ દરમિયાન કારમાં રહેલા જીણાભાઈને ઈજાઓ થઈ નથી. જોકે પોલીસે આ અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમના કોઈ રાજકીય કે અંગત દુશમને આ કામ માટે આ શખ્સોને હાયર કર્યા હતા કે કેમ તે અંગે પણ એક થિયરી લગાવી તપાસ કરવામાં આવી રહી છે.

તેઓ હાલમાં જ ખેડૂતોને વરસાદમાં થયેલા નુકસાનની સહાય ચુકવવામાં આવે તેવી રજૂઆત કરવા ગાંધીનગર પણ ગયા હતા. રાત્રે તેઓ ગાંધીનગરથી પરત પોતાના વત ફરી રહ્યા હતા. દરમિયાન ફાયરિંગ થયું હતું.