મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં એક મહિલાએ કોરોના વેક્સિનના બંને ડોઝ સમયસર લીધા હતા જોકે તેમ છતાં થોડા સમય પહેલા મહિલાની તબીયત બગડતાં તેમને કોરોનાની શંકા ગઈ હતી. તબીબી સલાહ સાથે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જોકે જ્યારે કોરોના રિપોર્ટ આવ્યો ત્યારે સહુના ચહેરા પર આશ્ચર્યની રેખાઓ હતી કારણ કે રસીના બંને ડોઝ કમ્પલીટ કર્યા છત્તાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

સુરેન્દ્રનગરમાં આ ઘટનાને પગલે લોકોમાં રસીની વિશ્વસનિયતાને મામલે સવાલો ઉઠ્યા છે. અહીં સરકારી હોસ્પિટલમાં કામ  કરતાં ભાવનાબેન વાઘેલાએ અગાઉ કોરોના વેક્સીન લીધી હતી. તેમણે બંને ડોઝ પૂર્ણ કર્યા હોવા છત્તાં તેમને કોરોના થતાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. એક તરફ કોરોના રસીકરણને વેગ આપવા માટે સરકાર કેટલાય ઉપાયો કરી રહી છે છત્તાં આવા કેટલાક બનાવોને પગલે લોકો બીજી બાજુ મુંઝવણમાં પણ મુકાઈ રહ્યા છે.