મેરાન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગર : ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને વર્ષ 2016માં રૂ. 1.48 કરોડ રૂપિયાનો ચેક રિટર્ન થવા મામલે કલોલ કોર્ટ 2 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 2.97 કરોડનો દંડ ફટકાર્યો છે. આ મામલે સજા થતાં ભાજપના પૂર્વ સાંસદ ઉપલી કોર્ટનો દરવાજો ખટખટાવે તેવી શક્યતા છે. જોકે તેમને જો હાઈકોર્ટમાં જવું હોય તો પણ કાયદાકીય રસ્તા ખુલ્લા છે. આગામી સમયમાં તેઓ ઉપલી કોર્ટના દ્વારે પહોંચે તો નવાઈ નહીં. ગત તા. 13 ઓક્ટોબર 2016ના રોજ અમદાવાદના પ્રભાતસિંહ ઠાકોરે દેવજી ફતેહપુરા વિરુદ્ધ કલોલ કોર્ટમાં ચેક રિટર્ન અંગેની આ ફરિયાદ કરી હતી. રાજકોટ જમીનના બાનાપેટે રૂ1.48 કરોડ લીધા હતા. વકીલ ભાનુ પટેલે પોતાના લેટરપેડમાં જણાવ્યું કે,  પ્રભાતસિંહ ઠાકોર અને દેવજી ફતેપુરા મિત્રો અને એકબીજાના પરિચિત હતા.  દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહને રાજકોટ ખાતે ખેતીની જમીન વેચાણ આપવાનું નક્કી કર્યું હતું.

જમીનના બાનાપેટે દેવજી ફતેપુરાએ ટુકડે ટુકડે 1 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયા મેળવ્યા હતા. જે અંગેનો બાનાખત 25 એપ્રિલ 2014ના રોજ કર્યો હતો. જો કે બાદમાં જમીનનો દસ્તાવેજ થઇ શકે તેમ નહી હોવાના કારણે દેવજી ફતેપુરાએ બાનાપેટે ચુકવેલી રકમ પરત કરવા માટે પ્રભાતસિંહને એસબીઆઇ, ગાંધીનગર શાખાનો રૂ. 1 કરોડ 48 લાખ 50 હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. પ્રભાતસિંહે ચેક બેન્કમાં ભરતા આ ચેક રિટર્ન થયો હતો. જેથી પ્રભાતસિંહ દેવજી ફતેપુરાનો ચેક રિટર્ન થવા અંગે નોટિસ મોકલી હતી. તેમ છતા નોટિસ પિરીયડ પુરો થવા છતા રકમ આપી નહોતી.

ચેકની રકમ પરત ન મળતા પ્રભાતસિંહે દેવજી ફતેપુરા સામે કલોક કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. જેમાં પુરાવા, ફરિયાદી અને સાક્ષીઓની જુબાની અને બંન્ને પક્ષોની દલીલના અંતે કલોક કોર્ટે દેવજી ફતેપુરાને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત 2 કરોડ 97 લાખ 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. દંડની રકમ ફરિયાદી પ્રભાતસિંહને ચુકવવા જણાવ્યું છે અને જો ચુકવવામાં ન આવે તો વધારે ત્રણ મહિના માટે સજાનો હુકમ કલોલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.