મેરાન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના થાનથી 5 કિમી દૂર આવેલા જામવાડી ગામમાં 1200 વર્ષ જૂના મુનીની દેરી નામે ખોળખાતા શિવમંદિરમાં ગુપ્ત ધનની શંકામાં કેટલાક અજાણ્યા શખ્સોએ શિવલીંગ અને પોઠિયાને દૂર કરીને ખોદકામ કરતા ભક્તોમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી છે.  

લોકોની ઓછી અવર જવર ધરાવતા આ મંદિરમાં આવેલા શિવલીંગમાં તોડફોડ કરીને શિવલીંગની જગ્યાએ ખાડો ખોદી દેવાયો હતો. મંદિરની બહાર જ્યાં પોઠિયાની સ્થાપના કરાઈ છે તે બાજુમાં મુકીને તેની જગ્યાએ 5થી 6 ફૂટનો ખાડો કરી દેવાયો હતો. આ વાતની જાણ થતા થાન પીઆઇ એમ.પી.ચૌધરી અને મામલતદાર હાર્દિક મકવાણા સહિતની ટીમ જામવાળી ગામે દોડી પહોચ્યા હતા અને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. રાજાશાહીના સમયમાં શિવલીંગ કે પોઠિયાની નીચે ગુપ્ત ધન હોવાની વાતો ચાલતી હતી અને મુઘલોના સમયમાં શિવમંદિરો તોડીને ગુપ્ત ધનની લૂંટ ચલાવી હોવાની વાતો ઇતિહાસમાં આજે પણ મોજૂદ છે. ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કરાયાનું મનાય છે. ખોદકામ કરનાર કોણ છે અને તેમને કાંઈ મળ્યું કે નહીં તે અંગે હજુ પણ રહસ્ય અકબંધ રહ્યું છે.

Advertisement


 

 

 

 

 

રાજા સિધ્ધરાજના માતા મીનળદેવી યાત્રા પર નીકળ્યા હતા ત્યારે તેમણે અનેક શિવમંદિર, વાવો બંધાવેલી હોવાના પુરાવા ઇતિહાસમાં છે. ત્યારે તેમણે આ મંદિર બંધાવ્યું હોવાનું કહેવામાં આવે છે. પુરાતત્વ દ્વારા આ મંદિર રક્ષિત જાહેર કરાયું છે. છતાં અહીં કોઇ પણ રખેવાળ ન હોવાને કારણે આ ઘટના ઘટી છે.