નિમેષ જોશી
 
સુરેન્દ્રભાઈ મોતીભાઇ પટેલ - સુરેન્દ્રકાકા તરીકે ઓળખાતા આ વ્યક્તિત્વને શબ્દોમાં અનુભવવા કરતા તો સ્નેહ અને સદભાવની તેમની સતત વહેતી વિકાસની વિચારધારાના પવિત્ર જળનો આસ્વાદ અનુભવવો જ ગમે . 

સુરેન્દ્રકાકા એટલે સતત હકારાત્મક વિચારો. સુરેન્દ્રકાકા એટલે આપણા અમદાવાદ શહેરનું કઈ રીતે સારું થાય તેની સતત મથામણમાંથી નીકળતો રાજમાર્ગ.  કાકા એટલે પક્ષની વિચારધારાના એવા કર્મઠ કાર્યકર્તા જે ક્યારેય આગળની હરોળમાં બેસવાનો પ્રયાસ પણ ના કરે. ચરોતરમાં શિક્ષણનો સાચો દીવડો પ્રગટાવીને પ્રકાશ પાડતી ચાંગા યુનિવર્સિટીનું એ તેજ કાકા છે- જે નવી પેઢીને બુદ્ધિમતામ વરિષ્ઠમ બનાવવા કટિબદ્ધ છે. 

કાકા એ વ્યક્તિત્વ છે જેણે અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગરોડનું સર્જન કરીને આ શહેરને ખરા અર્થમાં દેશના નકશામાં સરદાર જેવું મજબૂત અને વિકાસના રસ્તા પર નવી ઓળખ આપી.  ચારે તરફના રસ્તાઓ જ માત્ર કાકાની દેણ નથી -  અનેક બગીચાઓ, વસ્ત્રાપુર જેવા અનેક તળાવો અને ગરીબો માટેના 25000 ઉપરાંતના મકાનો - આવા તો  અનેક અનેક વિકાસના કામો. કહેવાય કે જ્યાં જ્યાં નજર મારી પડે એ વિકાસકામમાં યાદી ભરી છે ત્યાં સુરેન્દ્રકાકાની. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર પણ આપની જ પ્રેરણા અને દેખરેખનું નજરાણુ છે. 

સૌથી મહત્ત્વનું તો કમલમ કાર્યાલય. જે હંમેશ માટે પોતાનું તો લાગે જ સાથે સાથે સર્વ સમાવેશક પણ એટલું જ અનુભવાય. ભાગવત વિદ્યાપીઠના બદલાતાં સ્વરૂપની પાછળ પણ આપ છો તો એ પણ ગૌરવભેર કહેવા દો કે પાવાગઢની મા કાલિકા મંદિરની ભવ્ય સુવિધાઓના સર્જનમાં પણ આપ છો.

રાજ્યસભા પણ આપે શોભાવી અને પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ પદને તો આટલા વર્ષોથી ગરિમા આપીને પદને પણ મુઠ્ઠી નહીં - માઈલો ઊંચેરું બનાવી દીધું.

સુરેન્દ્રકાકા તમે જીવનભર તપસ્વી રહ્યા છો. અને માટે જ પ્રહલાદનગરમાં આવેલી સમુતકર્ષના  સર્જનથી આપે યોગ, સંગીત અને આધ્યાત્મિકતા દ્વારા ખરા અર્થમાં સમાજને સુસંસ્કૃત કરવાનું સદકાર્ય કર્યું છે.

હા, આપે 83 વર્ષ પુરા કર્યા.
કોઈ ના કહે કે 83 વર્ષ ! 
અમને પણ તમારી વધતી ઉંમર એ રીતે તો પસંદ નથી જ. અમારી તો ભગવાન સોમનાથને પ્રાર્થના એક જ છે કે -  અમારા સૌના સુરેન્દ્રકાકાને તેમની આ જ તંદુરસ્તી અને સ્નેહભાવ સાથે શતમ જીવ શરદના આશીર્વાદ આપો. કારણ પણ એજ  કે એક એવા વ્યક્તિત્વની આ સમયને  જરૂર ચોક્કસ છે કે  - જે હોય બધે જ  છતાં પણ પોતાના હોવાપણાનો ભાર કે ભાવ સામેવાળાને ન લાગવા દે ન અનુભવવા દે.