મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ‘તમારા કરતા મારી બહેનના પતિ વધુ કમાણી કરે છે. તેમનું ઘર વ્યવસ્થિત ચાલે છે. તમારે પણ વધુ કમાણી કરવા માટે કાંઈક કરવું જાેઇએ. પત્નીના આવાં રોજના કંકાશથી ત્રસ્ત થયેલો એક રત્નકલાકાર યુવાન ચોરીના રવાડે ચડી ગયો. એક પછી એક એમ કુલ ૩૦ બાઇકની ચોરી કરી ત્યારે પોલીસના હાથમાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ આરોપીની ધરપકડ કરી ચોરીની ૩૦ બાઇક કબજે કરી છે.

ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયાએ કહ્યું હતું કે ક્રાઇણ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બળવંત વ લ્લભભાઈ ચૌહાણ (ઉ.વ.૩૭, રહેઃ ગોપાલ ક્રિષ્ન એપાર્ટમેન્ટ, મોટા વરાછા-ઉત્રાણ, મૂળ રહેઃ જાળિયા ગામ. તા. પાલિતાણા, જિ. ભાવનગર)ને પકડી પાડ્યો હતો. જેની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેણે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ૩૦ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

માત્ર હીરાનાં કારખાનાને જ ટાર્ગેટ કરતો

પોલીસની તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ બાઇક ચોરી બળવંત અગાઉ રત્નકલાકાર તરીકે કામ કરી ચૂક્યો હોવાથી પ્રત્યેક રત્નકલાકારની ગતિવિધિથી તે વાકેફ હતો. જેથી તે બાઇક ચોરવા માટે માત્ર અને માત્ર હીરાનાં કારખાનાને જ નિશાન બનાવતો હતો. બપોરના સમયે રત્નકલાકાર જમીને પરત હીરાના કારખાનામાં પહોંચી જાય  ત્યારે પોતાની પાસે રહેલી માસ્ટર ચાવીથી તે બાઇક ચોરી લેતો હતો.

રોજના કંકાશથી બન્યો વાહનચોર

પત્ની રોજ કંકાશ કરતી હતી કે તમારા કરતા તમારા સાઢુ ભાઈ વધુ કમાણી કરે છે. તમે વધુ કમાણી કરવા માંડો, રોજની આ સમસ્યાથી ત્રસ્ત થઈ પોતે વાહનચોરીના રવાડે ચડ્યો હોવાની કબૂલાત બળવંતે પોલીસ સમક્ષ કરી હતી.