મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: 'અંગદાન..મહાદાન..જીવનદાન'ને વધુ એક વાર સાર્થક કરતી ઘટના સુરતમાં બની છે. વલસાડના સેગવી ગામના બ્રેઈનડેડ યોગશિક્ષિકા રંજનબેન ચાવડાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ ફેલાવ્યો છે. તેમના લીવરદાનથી સુરતના એક ઉદ્યોગપતિ અને સમાજસેવકને નવજીવન મળ્યું છે. સુરતમાં કિરણ હોસ્પિટલ ખાતે સૌપ્રથમવાર લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ઉપરાંત, ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતમાંથી બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાનની આ છઠ્ઠી ઘટના છે.

મૂળ મોરબી, મહેન્દ્રનગરના વતની અને વલસાડના માણેક બાગ, સેગવી ગામ ખાતે રહેતાં વણકર સમાજના ૪૦ વર્ષીય રંજનબેન પ્રવિણભાઈ ચાવડા યોગના ક્લાસીસ ચલાવતા હતાં. તેમના પતિ પ્રવિણભાઈ વલસાડમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ૧૬ વર્ષીય પુત્ર જય ધો. ૧૧માં અભ્યાસ કરે છે. ગત તા.૩૦ સપ્ટે.ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે સ્વ. રંજનબેન તેમના બહેન તનુજાના ઘરે જવા મોપેડ પર જઈ રહ્યા હતા, એ સમયે વલસાડ ધરમપુર ચોકડી પાસે, એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા તેઓ મોપેડ પરથી નીચે પટકાયા હતા, અને માથામાં ગંભીર ઈજા થવાથી તાત્કાલિક વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.કે.સી.જૈનની સારવાર હેઠળ દાખલ કરાયા હતા.

ન્યુરોસર્જન ડૉ. કે.સી.જૈને ક્રેનિઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. પરંતુ તેમની હાલત નાજૂક હતી. આખરે તા. ૦૨ ઓક્ટો.ના રોજ રંજનબેનને બ્રેનડેડ જાહેર કરાયા હતાં. ડૉ. કે.સી.જૈને અંગદાન માટેની જાણીતી સંસ્થા 'ડોનેટ લાઈફ'ના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલિફોનીક સંપર્ક કરી રંજનબેનના બ્રેઈનડેડ થવાં અંગે વાકેફ કર્યા હતા.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પતિ પ્રવિણભાઈ, બેન વિજયા, દક્ષા અને તનુજા, બનેવી રણજિતભાઈ અને જિગરભાઈ, ભાઈ નરસિંહભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. રંજનબેનના પતિ પ્રવિણભાઈએ ભારે હ્રદયે જણાવ્યું કે, 'મારા પત્ની બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર બળીને રાખ થઈ જવાનું છે. તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો તેનાથી વધુ સારી માનવસેવા શું હોઈ શકે? સમગ્ર પરિવારે અંગદાન માટે સંમતિ આપતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO)ના ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડીનેટરનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને જયારે કિડની અમદાવાદની અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરને (IKDRC) ને ફાળવવામાં આવી.

સુરતની કિરણ હોસ્પિટલના ડૉ.રવિ મોહન્કા અને તેમની ટીમે લીવરનું દાન સ્વીકાર્યું. અમદાવાદની IKDRC હોસ્પિટલના ડૉ.સુરેશકુમાર અને ટીમે કિડની અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. 

અંગદાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવકમાં ડૉ.રવિ મોહન્કા, ડૉ.પ્રશાંથ રાવ અને તેમની ટીમ દ્વારા કરાયું હતું. એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં રાજકોટની રહેવાસી ૪૦ વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદની રહેવાસી ૪૫ વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી ફેલાયા બાદ સમગ્ર દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા કોરોનાકાળમાં ૪૬ કિડની, ૨૬ લિવર, ૧૦ હૃદય, ૧૬ ફેફસા, ૧ પેન્ક્રીઆસ અને ૪૪ ચક્ષુઓ સહિત કુલ ૧૪૩ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ ૧૩૨ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા આજ સુધી કુલ ૪૦૬ કિડની, ૧૭૧ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૬ હૃદય, ૨૦ ફેફસા અને ૩૦૮ ચક્ષુઓ મળી કુલ ૯૪૯ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૭૦ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે. લિવરને સમયસર કિરણ હોસ્પિટલ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતની કિરણ હોસ્પિટલમાં લિવર અને કિડનીનું કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ શરૂ થવાને કારણે તેનો લાભ સમગ્ર દક્ષિણ ગુજરાતના દર્દીઓને મળશે. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઈઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલાના માર્ગદર્શનમાં થઈ હતી.

આમ, યોગશિક્ષણથી લોકોને તંદુરસ્તીના પાઠ ભણાવનાર સ્વ.રંજનબેન બ્રેનડેડ થયાં બાદ મૃત્યુ પછી પણ કિડની, લિવર અને ચક્ષુઓના દાન થકી 'ઉપયોગી' બન્યાં.