મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ ચિક્કાર દારૂ પી ઘરે આવેલા પતિએ પત્નીને કહ્યુ આજે તને અને તારી  દીકરીને મારી નાખવાનો છું. વારંવાર ઝઘડા  કરતો અના મારામારી કરતો પતિ કદાચ પોતાને મારી નાખશે એવા ડરના કારણે પત્નીએ જ પતિનું ભર ઊંઘમાં ઢીમ ઢાળી દીધું હતું. સાડીમાં મૂકવાની લેશપટ્ટીથી ટૂંપો આપી પતિની હત્યા કરનારી પત્નીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

કાપોદ્રા સહયોગ સોસાયટીમાં રહેતા હરેશ વિનુ દુધાત્રા હીરા ઘસવાની મજૂરી કામ કરતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી કામ ધંધો છોડી દારૂ પીને અવાર નવાર પત્ની દયાબેન સાથે ઝઘડો કરતો હતો. દરમિયાન ગત તા. ૧૬મીના રોજ રાત્રે હરેશની ઘરેથી ફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. મૃતક હરેશના પિતા વિનુભાઇ દુધાત્રાએ તેના પુત્ર હરેશની તેની પત્ની દયાએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હરેશ રોજ દારૂ પીને ઝઘડો કરતો હતો. રોજના ઘરકંકાસને કારણે દયા કંટાળી ગઇ હતી. બનાવના દિવસે પણ હરેશ ઝઘડો કરી દયાને મારવા માટે દોડયો હતો. પોલીસે વિનુની ફરિયાદ લઈ દયાબેન દુધાત્રા સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.