મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જોકે કોરોનાના આંકડા સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સડસડાટ વધી રહ્યા છે ત્યારે કોરોનાનું ભયાનક સ્વરૂપ બતાવતો સુરતનો એક સ્મશાનનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોનારાના રૂંવાડા કંપી જાય તો નવાઈ નહીં. અહીં લોકોની લાશો એક પછી એક એવી રીતે અંતિમ સંસ્કારની રાહ જોતી પડી રહી છે કે કોરોના કેટલો ગંભીર છે તેનો અંદાજ લગાવી શકાય છે. જોકે હજુ પણ ઘણા લોકોને માટે સ્થિતિ જાણે પોતાના માટે કાંઈ છે જ નહીં. મોતના સરકારી આંકડા અને સત્ય બંનેમાં ભલે ફરક હોય પરંતુ આ વીડિયો ઘણાની આંખો ખોલી દેશે. જોકે અહીં વાયરલ થયેલા વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે આગળ લાશો પડી છે છત્તાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં ઉંણા ઉતરી રહ્યા છે, લાગે કે જાણે તેમને ફરી સ્મશાન આવવામાં વાંધો જ ન હોય.

જોકે ઈશ્વર કોઈને સ્વજન ગુમાવવાની પીડા ન આપે અને વિશ્વ ફરી સ્વસ્થ થાય તેવી પ્રાથના છે પરંતુ માત્ર પ્રાથના કરે છૂટકો નથી તેના માટે દરકાર પણ લેવી પડશે. સુરતમાં સ્મશાન ગૃહો હાઉસફૂલ થવા લાગ્યા છે. કલાકોના વેઈટિંગ પછી અંતિમ સંસ્કાર થાય છે. અહીં રિતસરના ટોકન નંબર વહેંચવા પડે છે. વીડિયોમાં જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિ અહીં આવ્યા હતા તેમનો જ 24મો નંબર હતો અને છેલ્લે તેમણે જોયું ત્યારે 40મું ટોકન આપવામાં આવતું હતું. મતલબ કે 40 લાશો ત્યાં હતી.


 

 

 

 

 

સામાન્ય દિવસો કરતાં આ સ્થિતિ પાંચથી સાત ગણી વધુ કહી શકાય. આંકડાની માયાજાળ અંગે પણ આપ અહીં વીડિયોમાં જ અંદાજ લગાવી શકો છો કે વાસ્તવિક સ્થિતિ કેવી છે. અમદાવાદમાં પણ સતત એમ્બ્યૂલન્સનાં આંટાફેરા જોવા મળે છે અને હોસ્પિટલ બહાર એમ્બ્યૂલન્સની પણ લાઈનો લાગવા લાગી છે. અમદાવાદની જ એક હોસ્પિટલના તબીબે પણ કોરોનાના દર્દીને માટે ક્યાંય ઓક્સીજન મળી રહ્યો ન હોવાનો વીડિયો શેર કરી ઓક્સીજન માટે મદદ કરવાની અપીલ કરી છે. રેમડેસીવીરના ઈન્જેક્સન માટે લાઈનો લાગેલી છે, હોસ્પિટલના બેડ પણ ધીમે ધીમે ભરાવા લાગ્યા છે. શક્તિસિંહ ગોહિલે પોતાના ઓફિશ્યલ ટ્વીટર પર આવો જ એક ભાવનગરનો વીડિયો વાયરલ કર્યો છે જેમાં લોકો ભોંય પર સારવાર લેવા મજબુર બની રહ્યા છે.


 

 

 

 

 

સરકારની કેટલી તૈયારીઓ છે તે આ દ્રષ્યો સમજાવી જાય છે પરંતુ પોતાની સુરક્ષા હજુ પણ તમારા જ હાથમાં છે. કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા અથવા તેની ભયાનકતા માટે તૈયાર રહેવા જેવી સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તંત્ર જે ઘરમાં કોરોના દર્દી હોય ત્યાં ક્વોરંટાઈનનું બોર્ડ લગાવી ઘરના સભ્યોને અન્યોના સંપર્કમાં આવતા રોકતા હતા પરંતુ હવે નવી લહેરમાં આ વિધિ વિસરાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. રોજના કોરોના દર્દીઓમાં થઈ રહેલો વધારો પણ સરકારી આંકડાઓમાં અંદાજ લગાવી શકાય છે પરંતુ વાસ્તવિક્તા ત્યાંથી ઘણી દૂર છે.