મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ક્રાઈમ બ્રાન્ચ બે હજારના દરની એક કરોડની ડુપ્લીકેટ ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ કરી ખેડા જિલ્લાના અંબાવ ગામે આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામી સહિત પાંચ જણાની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામની  પૂછપરછમાં માસ્ટર માઈન્ટ અને આ કૌભાંડના સૂત્રધાર  પ્રવીણ ચોપડા પાસે મોહન વાધુરડેના હળદરના બે લાખ લેવાના હતા. તેની ઉઘરાણી કરતા પ્રવીણે તેને ડુપ્લિકેટ નોટનો પ્લાન બતાવ્યો હતો અને મોહન પણ લાલચમાં આવી ગયો, પરિણામે મોહને જ પ્રવીણનો સ્વામી સાથે પરિચય કરાવ્યો હતો.

પ્રવીણ ચોપડા ડુપ્લિકેટ નોટના કાળા કારોબારનો અઠંગ ખેલાડી છે. અગાઉ 9 વખત નકલી નોટના ગુનામાં તે પકડાઈ ચૂક્યો છે.  પ્રવીણે ડુપ્લિકેટ નોટ છાપવાનો પ્લાન બનાવ્યો હતો જે માટે તેણે તેના મિત્ર જે એક સમય સાથે હીરા ઘસવાની મજૂરી કરતા તે મોહન વાઘુરડેને વિશ્વાસમાં લીધો હતો. પ્રવીણ અને મોહન સાથે હીરામાં મજૂરી કરતા હોવાથી બંને વચ્ચે મિત્રતા સારી હતી. પરંતુ સુરતમાં પ્લેગ આવ્યા બાદ મોહન વાધુરડેએ સુરત છોડીને તેના વતન ચાલ્યો ગયો હતો અને ત્યાં ખેતીકામ કરવા લાગ્યો હતો. તે દરમિયાન એકાએક તેના પર પ્રવીણનો ફોન આવ્યો હતો અને તેના હાલચાલ પૂછ્યા હતા. મોહને પોતે હળદરની ખેતી કરતો હોવાનું કહેતા પ્રવીણે  મિત્રતાનો ઉપયોગ કરી સુરતમાં હળદર વેચવાનો પ્લાન બનાવી મોહન પાસેથી હળદર ખરીદી હતી. પ્રવીણે મોટો ઓર્ડર આપ્યો હોવાથી મોહને તેના ગામના અન્ય લોકો પાસેથી હળદર ખરીદીને પ્રવીણ ચોપડાને  આપી હતી. જેની કિંમત રૂ. બે લાખ થતી હતી.

પ્રવીણે હળદરના પૈસા નહી ચૂકવતા મોહન પાસે ગામના લોકો ઉઘરાણી કરવા લાગ્યા હતા આખરે લોકોની ઉઘરાણીથી કંટાળીને મોહન ગામ છોડીને અંકલેશ્વર ભાગીને આવી ગયો હતો. જ્યાં તે  રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.  પણ સંજાગોવસાત્ બન્યું એવું કે  ફરી પ્રવીણનો ભેટો થતા મોહને તેની પાસે હળદરના લેવાના નીકળતા રૂ. બે લાખની ઉઘરાણી કરી હતી. તે સમયે પ્રવીણે તેની પાસે પૈસા નથી અને ૫૦ લાખનું દેવુ છે તેમ  કહી મોહનને ડુપ્લિકેટ નોટનો પ્લાન બતાવ્યો હતો. પ્રવીણ મોહન પાસે ડુપ્લિકેટ નોટ છાપવા માટે સુમસામ અને કોઈ નહી આવે તેવી જગ્યા બતાવવા કહ્યું હતું. પ્રવીણે તેનું કામ થઈ જશે તો માથેથી દેવું ઉતરી જશે તેમ કહી મોહનને વિશ્વાસમાં લીધો હતો. પ્રવીણની વાતમાં આવીને મોહન તૈયાર થઈ ગયો હતો અને તે માટે તેણે ખેડાના અંબાવ ગામે આવેલા સ્વામીનારાયણ મંદિરના રાધારમણ સ્વામી સાથે જમીન દલાલ અને સેવાભાવી માણસ તરીકે પરિચય કરાવ્યો હતો અને રાધારમણ સ્વામીને મંદિર ડેવલોપ કરાવી આપવાનું કહી તેમના રૂમમાં ડુપ્લિકેટ નોટ છાપવાનુ શરુ કર્યું હતું.