મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના કામરેજ ખાતે બે જોડિયા બાળકોને આરોગ્ય કેન્દ્રમાંથી ગતરોજ 9મી તારીખે રસી મુકાઈ હતી. તે પછી બાળકોનું અચાનક મોત થતાં પરિવારજનો શોકમાં સરી પડ્યા હતા. બંને બાળકોના મોતથી પરિવાર હચમચી ગયો હતો. પરિવારજનોએ હોસ્પિટલ દ્વારા બેદરકારીના આક્ષેપ સાથ હોબાળો મચાવ્યો હતો. બંને બાળકોના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ મોતનું સચોટ કારણ સામે આવે તેમ છે. પોલીસ અને પરિવારજનો બંનેની નજર હાલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પર ટકી છે.

મૃતકોના સ્વજનોનું કહેવું છે કે, અમે 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે બાળકોને લઈને રસી આપવા ગયા હતા. ડૉકટરે રસી મૂક્યા બાદ અમને કહ્યું કે તાવ આવે તો ગભરાતાં નહીં રાત્રે બાળકો સુઈ ગયા બાદ સવારે ઉઠ્યાં નહીં. ડોક્ટરે કહ્યું હતું કે તાવ આવે તો ખાનગી દવાખાને જતાં નહીં. સવારે બાળકોને અમે ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા ત્યાં બાળકોને મૃત જાહેર કર્યા. જ્યાં સુધી ફૉરેન્સિક રિપોર્ટ અમને નહીં મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ.

આ મામલે કામરેજ મતવિસ્તારના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ બાહેંધરી આપી છે. કાયદેસરથી જે કોઈ પણ કાર્યવાહી કરવાની હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 

હોસ્પિટલના તબીબોનું કહેવું છે કે, સામાન્ય સંજોગોમાં જો રસીનું રિએક્શન આવવાનું હોય તો અડધા કલાકમાં આવી જાય છે અને ગઈકાલે અનેક બાળકોને આ રસી આપવામાં આવી હતી. રસી આપવામાં આવી તેના 16 કલાક બાદ બાળકોનાં મોત થયા છે. અત્યારે કઈ પણ કહેવું મુશ્કેલ છે. ફૉરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાય. સામે પોલીસ પણ રિપોર્ટના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવાની તૈયારીમાં છે.