મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ/સુરતઃ ગુજરાત ભરમાં આજે નવા ટ્રાફિક નિયમોને લઈને લોકો સાથે કાંઈક અજીબો ગરીબ કિસ્સાઓ બની રહ્યા છે. ઘણી જગ્યાએ તો ઈતિહાસ રચાઈ રહ્યો છે.  લોકો પીયુસીની માટે આટલી લાંબી લાઈનમાં ઊભા રહ્યા હોય તે પણ એક ઐતિહાસિક ઘટના છે, કોઈ વીમા એજન્ટ એવું કહે કે ગ્રાહકોના ફોનથી થાકી ગયો છું તો એ પણ એક ઐતિહાસિક ઘટના જ ઘણાય કે નહીં? જ્યાં વીમા માટે તડકો વરસાદ જોયા વગર કામ કરવું પડતું હોય, પીયુસીનું બોર્ડ લગાવી રાખ્યું પણ કોઈ આવતું ન હોય તેવા માહોલ વચ્ચે તો આ ઐતિહાસિક ઘટના જ કહેવાય.

આવી જ એક ઐતિહાસિક ઘટના સુરતમાં બની છે. સુરતમાં રિંગરોડ પરથી આવી રહેલી એક આઈસર ટ્રક કે જે કાપડનો જથ્થો લઈને આવતી હતી તેને બ્રિજ ઉતરતી વખતે સહારા દરવાજા પાસે ઊભેલી ટ્રાફીક પોલીસે અટકાવી રૂ. 5000નો દંડ ફટકાર્યો છે. તો બીજી તરફ રાજકોટમાં બાર એસોશિયેશનના પ્રમુખ કોર્ટમાં પહોંચવા સાયકલ પર પહોંચ્યા હતા જોકે કોઈ વિરોધ પ્રદર્શન માટે નહીં પણ તેનું કારણ પણ ઐતિહાસિક જ છે.

સુરતમાં આઈસર ટ્રક કાપડનો જથ્થો લઈ ટ્રકના ચાલક ગોવિંદભાઈ સુરેશભાઈ પટેલ ગ્લોબલ માર્કટમાં ડિલિવરી આપવા જતાં હતા. દરમિયાન તેમને સહારા દરવાજા ખાતે ઊભેલી પોલીસે રોક્યા હતા. તેમણે ગોવિંદભાઈ પાસેના લાયસન્સ સહિતના ડોક્યૂમેન્ટ માગ્યા ત્યારે પોલીસે ફિટનેસ સર્ટી પણ માગ્યું. ગોવિંદભાઈ પાસે ફિટનેસ સર્ટી ન હતું તેથી તેમને રૂ. 5 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. જે રકમ પણ ગોવિંદભાઈએ સ્થળ પર જ ભરી હતી. ગોવિંદભાઈ માટે પણ આ એક ઐતિહાસિક ઘટના જ હતી.

આવું જ આજે રાજકોટ એમએસસીટી બાર એસોશિયેશનના પ્રમુખ જી બી ત્રિવેદી સાયકલ લઈને કોર્ટ જવા નિકળ્યા હતા. તેમને આઈએસઆઈ માર્કા વાળું હેલ્મેટ ન મળતા તેમણે આખરે ટ્રાફિકનો નિયમ ભંગ કર્યા કરતાં સાયકલ લઈને જવું જ યોગ્ય સમજ્યું હતું. તેમણે કહ્યું કે, હેલ્મેટ સિટબેલ્ટ ન પહેરવા માટે લોકો જુદા જુદા રસ્તા અપનાવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં હેલ્મેટ અને સીટ બેલ્ટની જરૂરિયાત નથી પણ નવા કાયદા સામે સુપ્રીમ કોર્ટ સુધી લડવું મુશ્કેલ અને ખર્ચાળ છે.