હરેશ ભટ્ટ (મેરાન્યૂઝ.સુરત): લોકડાઉન દર‌મિયાન અને અનલોક ‌પિરીયડમાં ટોઇંગ ક્રેન બંધ રાખવાને બદલે સુરત શહેર ટ્રાફીક પોલીસે રૂ.૯૨ લાખથી વધુનું પેમેન્ટ ચુકવી કૌભાંડ કર્યું હોવાના ગંભીર આક્ષેપ સાથેની અરજી આરટીઆઇ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા તેમના વકીલ મારફતે રાજ્યના ડીજીપીથી માંડીને સુરત શહેર પોલીસ ક‌મિશનર, ‌વિજીલન્સ તેમજ રાજ્યના એસીબીને કરવામાં આવી છે.

આરટીઆઇ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવાએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઇંગ ક્રેન બંધ હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરીને ૯૨ લાખ થી વધારે પેમેન્ટની ચુકવણી ટોઇંગ ક્રેનનું સંચાલન કરતી અગ્રવાલ એજન્સીને કરવામાં આવી છે.

શહેરના જાહેર રસ્તાઓમાં અડચણ રૂપ પાર્ક થયેલા વાહનો દુર કરવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇંગ ક્રેનનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. અગ્રવાલ એજન્સીને ગઇ તા. ૨૧-૧૨-૨૦૧૯થી વર્ક ઓર્ડર આપીને કામગીરી શરૂ કરાવી હતી. અગ્રવાલ અજેન્સી દ્વારા ટેન્ડરની ઘણી શરતોના ઉલ્લંઘન કરાયા હોવા અંગેનું ધ્યાને આવતા સંજય ઇઝાવા દ્વારા અનેક વખત ફરીયાદ કરવામાં આવી હતી. જોકે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અગાઉ પણ વર્ષ ૨૦૧૮-૧૯ માં વાહનો ટોઇંગ કરવાનું કામ અગ્રવાલ એજન્સીને આપવામાં આવ્યું હતું અને મોટર વેહિકલ એક્ટના ભંગ કરીને ટોઇંગ વાહનના ત્રણે બાજુ ટુ વ્હીલ લટકાવવાની પધ્ધતી બંધ કરાવવા માટે સંજય ઇઝાવા દ્વારા વકીલ ગીરીશ હારેજા મારફતે લીગલ નોટિસ પાઠવીને કાયદેસર કાર્યવાહીની માંગણી કરી હતી.

તેમ છતાં માનીતી એજન્સીને ટોઇંગ કરવા માટેના ટેન્ડર આપવાની પધ્ધતીની વિરુદ્ધમાં નામદાર ગુજરાત હાઈ કોર્ટમાં જઈને આ અંગેની સૂચના લાવ્યા પછી વર્ષ ૨૦૨૦ માટે ઓનલાઈન ટેન્ડર મંગાવીને અગ્રવાલ એજન્સીને વાહનો ટોઇંગ કરવાના કામ સોપવામાં આવ્યું હતું. તાજેતરમાં લોકડાઉન દરમિયાન પણ અલગ અલગ બહાના હેઠળ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લાખોનું પેમેન્ટ અગ્રવાલ એજન્સીને ચૂકવામાં આવ્યું છે. આ અંગે સંજય ઇઝાવા દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગેલ માહિતીમાં ચોકાવનારી માહિતી બહાર આવી છે. દર‌મિયાન સંજય ઇઝાવા દ્વારા રાજ્યના ડીજીપી, પોલીસ કમિશ્નર સુરત શહેર, ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય, અધિક મુખ્ય સચિવ વિજીલન્સ કમિશ્નર, ગુજરાત રાજ્ય, ડી.જી.પી & ડીરેક્ટરલાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોને અરજી કરી ત્રણ ‌દિવસની અંદર ગુનો નોંધી તપાસ સોંપાવની માંગણી કરવામાં આવી છે.