મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોરોનાની બીજા તબક્કાની લહેરના પ્રારંભ સાથે જ આંકડાઓ છુપાવવામાં માસ્ટરી હાંસલ કરનાર સરકારની હરકતો જ હવે તેની પોલ ખોલી રહી છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં રોજના સેંકડો નાગરિકો કોરોના મહામારીમાં મોતને ભેટી રહ્યા છે. ખુદ હાઈકોર્ટ દ્વારા પણ સરકારની અલગ - અલગ મુદ્દે ઝાટકણી કાઢવામાં આવી છે તેમ છતાં સરકાર સ્થિતિમાં કાબુમાં હોવાનાનો સ્વાંગ રચીને બેઠી છે. જો કે, આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્લુન્સ વાન પર શબવાહિનીના પોસ્ટર જોતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે, રાજ્ય સરકાર દ્વારા દિવસે દિવસે વધી રહેલા મૃતાંકને પગલે સુરત સહિત મહાનગર પાલિકાઓમાં શબવાહિનીની અછતને પહોંચી વળવા માટે સ્ક્રેપ થઈ ચુકેલી 108 એમ્બ્યુલન્સમાંથી 15 શબવાહિની બનાવવામાં આવી છે. જે પૈકી સુરતમાં ત્રણ શબવાહિની ફાળવવામાં આવી છે.


 

 

 

 

 

સુરતમાં કોરોના મહામારીને પગલે એક તરફ હોસ્પિટલોમાં બેડ માટે દર્દીઓ કણસી રહ્યા છે તો બીજી તરફ સ્મશાન ગૃહોમાં મૃતદેહો અંતિમ સંસ્કાર માટે તરસી રહ્યા છે. આ ભયાવહ સ્થિતિનો ચિતાર જોનારા શહેરીજનો પણ હવે સ્તબ્ધ થઈ ચુક્યા છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના મહામારી પર કાબુ મેળવવા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાં પણ વામણાં જ સાબિત થઈ રહ્યા છે.

આ સ્થિતિમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં દર કલાકે ટપોટપ મોતને ભેટી રહેલા દર્દીઓને સમયસર સ્મશાન ગૃહ પહોંચાડવા માટે હવે રાજ્ય સરકાર દ્વારા નક્કામી થઈ ચુકેલી 108 એમ્બ્લુયન્સને શબવાહિનીમાં તબ્દીલ કરવામાં આવી છે. આ 15 શબવાહિનીઓ સુરત - અમદાવાદ અને રાજકોટ સહિતની મહાનગર પાલિકાઓને ફાળવણી કરાઈ ચુકી છે. જેમાંથી સુરત મહાનગર પાલિકાને ત્રણ શબવાહિની મળી ચુકી છે.

ઉલ્લેખનીય છે કે, જે રીતે સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબુ થઈ રહ્યો છે તે જોતાં આગામી પખવાડિયું રાજ્ય માટે ખુબ જ કપરૂં સાબિત થનારૂં છે. માત્ર આઠ હજાર કેસોમાં જ જો રાજ્યમાં અઘોષિત મેડિકલ ઈમરજન્સી જેવા હાલાત ઉભા થઈ ચુક્યા છે તો જ્યારે કોરોનાના કેસો 15 હજારની આસપાસ પહોંચશે તો ત્યારે સર્જાનારા દ્રશ્યોની કલ્પના માત્રથી જ રૂંવાડા ઉભા થઈ જાય છે.

આવરદાપૂર્ણ થયેલ એમ્બ્યુલન્સનો જ ઉપયોગ

આ સંદર્ભે 108ના પ્રોગ્રામ મેનેજર ફયાઝ શેખે જણાવ્યું હતું કે, હાલના કપરા સંજોગોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં એક પણ ચાલુ હાલતની 108 એમ્બ્યુલન્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી. માત્ર જે એમ્બ્લુયન્સની આવરદા પૂર્ણ થઈ ચુકી હતી તેને જ શબવાહિની તબ્દીલ કરવામાં આવી છે.