મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવાની સાથે ધો-૧થી ૧૧ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. સાથે શિક્ષકોને પણ રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ સુરતમાં કોરોનાનો કહેર ધીરેધીરે વધી રહ્યો છે,  અત્યાર સુધીમાં સુરતમાં કોરોનામાં ઍકનું મોત નિપજવાની સાથે સાત કેસ પોઝિટિવ આવ્યા છે અને ૪ હજાર ઉપરાંત લોકો હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે ત્યારે હોમ ક્વોરોન્ટાઈન કરાયેલા લોકો પર નજર રાખવા માટે સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને ફરજ સોપવામાં આવી છે.

શિક્ષકોને સ્થળ પર સેલ્ફી પાડીને હોમ ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવેલી વ્યકિતનું વિડીયો રિપોટીંગ કરવું પડશે. તેમજ આજુબાજના રહીશોને પણ જાગૃત કરવાની કાર્યવાહી સોંપાવામાં આવી છે. તમામ ઝોનમાં ઍક નોડલ ઓફિસર તરીકે નિરીક્ષકને મૂકવામાં આવ્યા છે. જેમાં મનપાના અધિકારી સાથે સંકલન કરી માહિતીનું આદાન પ્રદાન કરવાનું રહેશે. ૮૮૬ શિક્ષકો તથા મોનીટરીંગ કરનારા ૫૦ કર્મચારીની ટીમ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યા છે.