મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં ગુંડાતત્વોને હવે જાણે પોલીસનો કે કાયદાનો કોઈ ભય જ નથી તેવો માહોલ છે. ઠેરઠેર ઘાતક હથિયારોથી કેક કપાવાની વાતો તો ઘણી દૂર રહી, ચોરી, લૂંટ, હત્યા જેવા ગંભીર ગુનાઓ પણ આ શહેરમાં હવે દર થોડા થોડા વખતોમાં બનતા જ રહે છે. કાયદાકીય ઘોંચથી કોઈ ગુનેગારની અક્કલ ઠેકાણે આવી જાય તેવા કિસ્સા આંગળીઓના વેઢે ગણાય તેટલા જ છે જ્યારે કાયદાની બીક વગર બેફામ ગુનાખોરી થતી હોય તેવા કિસ્સાઓની સંખ્યા અત્યંત વધુ છે. આવી જ એક ઘટનાએ તેમાં ઉમેરો કર્યો છે. સુરતમાં હત્યાના કેસમાં નિર્દોષ છૂટેલા ડોન સુર્યા મરાઠીની તેની જ ઓફીસમાં ચાકુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. હાર્દિક નામના શખ્સે તેને તેની જ ઓફીસમાં રહેંસી નાખ્યો હોવાની વાત વહેતી થતાં ચકચાર મચી ગઈ હતી. સુર્યાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પોલીસે ઘટના અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, જમનની દલાલી અને જમીન પ્રકરણોમાં ધાકધમકી આપીને એક ગેંગ ઓપરેટ કરી રહેલા સુર્યા મરાઠીનો વેડ રોડ વિસ્તારમાં ઘણો દબદબો હતો. તે અખંડ આનંદ કોલેજ સામેની ત્રિભુવન સોસાયટી પાસે રહેતો હતો. તહેવારો દરમિયાન તેના ઘર પાસેની મારામારી પછી તે ચર્ચાઓનું કેન્દ્ર બન્યો હતો. લોકો તેનાથી ફફડી પડતાં અને પોલીસ તેનો વાળ પણ વાંકો કરી શકતી ન હતી. અગાઉ પલિયા બારિયા નામના ગેંગસ્ટરએ પણ તેના પર ફાયરિંગ કરાવ્યું હતું. જેમાં તે બચી ગયો હતો. મળતી માહિતી મુજબ સુર્યા મરાઠી અને મનુ બારિયા વચ્ચે આંતરીક ડખો ચાલી રહ્યો હતો. એક પ્રકારે ગેંગવોર જેવું કહી શકાય. વર્ષ 2016માં કતાર ગામના ગોતાલવાડી વિસ્તારમાં એક હેરઆર્ટમાં મનુ બારિયા દાઢી કરાવવા ગયો ત્યાં સુર્યાએ તેના પર હુમલો કર્યો હતો. ઉપરાંત ચારેક વર્ષ પહેલા સુર્યા અને મનુ વચ્ચે જે ઝઘડો થયો હતો તેમાં સુર્યાના હાથમાં પિસ્તોલ જોઈને મનુ ભાગવા ગયો ત્યારે તેને પગમાં અને પછી છાતીમાં અને પછી માથામાં ગોળી મારતા મનુની હત્યા થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી. સુર્યા આ કેસમાં પોલીસના હાથે પકડાયો પણ હતો.

જોકે ન્યાયપાલિકાની લાંબી લચક કાર્યવાહીએ લોકોના મગજમાંથી આ બાબત ભૂલાવી તો દીધી પરંતુ સુર્યાનો ભય ઘણા લોકોમાં હજુ પણ હતો. કોર્ટમાં જ્યારે કેસ ચાલ્યો-ચાલ્યો કે આખરે 66 જેટલા સાક્ષીઓ પૈકીના મોટાભાગના ફરી ગયા અને પુરાવાનો અભાવ થતાં આખરે કોર્ટે તેને નિર્દોષ છોડી મુક્યો. કોર્ટે જ્યારે સુર્યાને નિર્દોષ છોડ્યો ત્યારે તે બાબતથી ઘણા લોકો નારાજ હતા જેમાં સ્થાનીક ગુંડાઓ પણ ખરા. જોકે ઘણા માટે તો આ એક તક હતી કે સુર્યાને પોતાના જ હાથે પુરો કરી નાખે. કારણ કે જ્યારે તે કોર્ટમાંથી છૂટ્યો ત્યારથી જ સુર્યા સહિત ઘણાને ખબર હતી જ કે કોઈને કોઈ રીતે તેના પર હુમલો થશે. વેડ રોડ વિસ્તારમાં સુર્યા અને મનુ હત્યા કેસમાં ઘણીવાર હુમલાઓ થતાં અને સુરતમાં એક પ્રકારે બે ગેંગ્સ વચ્ચે વોર ચાલી રહી હોય તેવું સ્પષ્ટ જોઈ શકાતું હતું.

આ દરમિયાનમાં જ્યારે સુર્યા ઓફીસમાં હતો ત્યારે જ એક હાર્દિક નામના શખ્સે તેની ઓફીસમાં ઘૂસી જઈને તેને ચાકુના ઘા મારીને તેને લોહીલૂહાણ કરી નાખ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સુર્યાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે આ ઘટનામાં આરોપી હાર્દિક પણ ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને પણ ગંભીર હાલતમાં સારવાર હેઠડ ખસેડાયો હતો. હવે આ ઘટનામાં સુર્યાએ હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો છે જ્યારે હાર્દિક પણ હજુ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. હાર્દિક મનુની ગેંગનો માણસ હોવાની વાતો ચાલી રહી છે. જોકે સત્ય કેટલું છે તે અંગે હજુ પોલીસ તપાસ ચાલુ છે. પોલીસે આ ઘટનામાં મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.