પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.સુરત): બે દિવસ પહેલાની ઘટના છે, સુરત પોલીસ કંટ્રોલ રૂમને કોઈ અજાણી વ્યક્તિએ જાણકારી આપી કે ઉમરા વિસ્તારમાં આવેલી ગોએન્કા હાઈસ્કૂલ પાસેની ફૂટપાથ પર આશરે 15 વર્ષની એક દીકરી બેસીને રડ્યા કરે છે. સુરત પોલીસ કંટ્રોલરૂમને આ સંદેશો મળતાં તેમણે ઉમરા વિસ્તારના તમામ પેટ્રોલિંગ વિહીકલ્સને આ ઘટનાની જાણકારી આપી. આ વખતે જ ઉમરાના પોલીસ ઈન્સપેક્ટર મહેન્દ્ર સાળુંકે પેટ્રોલીંગમાં હતા. તેમણે પણ પોતાના સરકારી વાહનમાં વાયરલેસ પર આવેલો આ સંદેશો સાંભળ્યો અને તેઓ તુરંત ગોએન્કા હાઈસ્કૂલ પહોંચી ગયા.

કંટ્રોલ રૂમનો સંદેશો સાચો હતો, એક છોકરી ફૂટપાથ પર બેસી ચોંધાર આંસુએ રડી રહી હતી. આમ તો છોકરી કોઈની મદદ ઈચ્છી રહી હતી પરંતુ પોલીસનું વાહન અને પોલીસ યુનિફોર્મમાં અધિકારીઓને જોઈ તે વધારે ડરી ગઈ હતી. ઈન્સપેક્ટર સાળુંકેએ તેને ખુબ પ્રેમથી રડવાનું કારણ પુછ્યું પણ તે હીબ્કા ભરવા લાગી હતી. પોલીસ તરીકેની લાંબી નોકરી કરનાર ઈન્સપેક્ટર સાળુંકે બાળકીની મનોસ્થિતિ સમજી ગયા અને તેમણે તુરંત બાળકીને પુછવાનું છોડીને ઉમરા પોલીસ સ્ટેશનમાં રહેલા મહિલા સબ-ઈન્સપેક્ટરને સ્થળ પર બોલાવી આખો મામલો સમજાવ્યો.

મહિલા સબ-ઈન્સપેક્ટર રડી રહેલી દીકરીને લઈને એક ખૂણામાં ગયા ત્યાં તેમણે બહુ જ શાંતિ અને પ્રેમભાવે તેની વ્યથા સમજવાનો પ્રયત્ન કર્યો. થોડીવાર પછી મહિલા સબ ઈન્સપેક્ટર ઈન્સપેક્ટર સાળુંકે પાસે આવ્યા ત્યારે પીએસઆઈની વાત સાંભળી તેઓ રીતસર ધ્રુજી ગયા.

બાળકીની વાત પ્રમાણે તેને એક ચોક્કસ ગેંગ દ્વારા સ્પાના નામે ચાલતા દેહ વ્યપારના ધંધામાં ધકેલી દેવાઈ હતી અને રોજ સવારથી સાંજ આ 15 વર્ષિય દીકરી સાથે ઓછામાં ઓછા ચાર ગ્રાહકો શરીર સંબંધ બાંધતા હતા. આખરે કંટાળીને આ દીકરી આ ગેંગની ચૂંગાલમાંથી ભાગી તો ખરી પણ સુરતની ભૂગોળથી અપરિચિત દીકરીને સુજ પડી નહીં કે ક્યાં જવું માટે તે રહી રહી હતી.

મહિલા પોલીસ સાથે આ દીકરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી તેને શાંત પાડી, જમાડી અને વિગતે પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, ભરૂચ પાસેના એક ગામમાં પોતાના પરિવાર સાથે તે રહેતી હતી. એક દિવસ પિતા સાથે તેને ઝઘડો થયો અને તેણે ઘર છોડી ગુસ્સામાં તે ત્યાંથી ભાગી નીકળી. પોતાના ગામના જ સ્ટેશનેથી ટ્રેનમાં બેસી તે સુરત સ્ટેશન પર ઉતરી, પણ સુરતમાં ક્યાં જવું ક્યાં રહેવું વગેરે પ્રશ્નો તેને સતાવી રહ્યા હતા ત્યારે એક યુવતી તેની પાસે આવે છે. જે પોતાનું નામ મુસ્કાન શેખ તરીકે આપે છે અને મુસ્કાન કહે છે કે તે તેના રહેવા, જમવા અને કામની વ્યવસ્થા કરશે.

હજુ તો દુનિયાને સમજવાનો પ્રયત્ન કરતી આ દીકરી પિતા સાથે ઝઘડાને કારણે ઘર છોડી નીકળી હતી, પણ તેને ખબર ન હતી કે હવે તેની જીંદગી દોજખ બનવાની છે. મુસ્કાન આ દીકરીને પોતાના ઘરે લઈ જાય છે અને કહે છે કે પોતે એક સ્પામાં કામ કરે છે જ્યાં સારા પૈસા મળે છે અને તેને પણ આ કામ અપાવશે, પણ દીકરીને બે જ દિવસમાં આખી ઘટના સમજાઈ ગઈ, મુસ્કાન તેને રોજ અલગ અલગ સ્પામાં લઈ જતી જ્યાં તેની પાસે રોજ નવા પુરુષો આવતા. આ દીકરી તેમનો વિરોધ કરતી ત્યારે ગ્રાહક કહેતો કે કાઉન્ટર પર પૈસા આપીને આવ્યા છીએ. મુસ્કાન આ દીકરીને રોજના ચાર અલગ અલગ સ્પામાં ગ્રાહકો પાસે લઈ જતી હતી. આમ કરતાં કરતાં ત્રણ મહિના પસાર થઈ ગયા. આ દીકરી ભાગવાની તક શોધી રહી હતી અને બે દીવસ પહેલા તેને તેમાં સફળતા મળી તેના સદનસીબે તેને રડતી જોઈ કોઈએ પોલીસને જાણ કરી અને પોલીસ તેની મદદમાં આવી.

ઉમરા પોલીસે આ અંગે દીકરીના પરિવારને જાણ કરતાં તેઓ ઉમરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા દીકરીના પિતાની ફરિયાદ લઈ મુસ્કાન સહિત પોલીસે સ્પાના ચાર મેનેજર્સની ધરપકડ કરી છે અને દીકરીને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ મોકલી આપી છે. ઉમરા પોલીસ તપાસ કરી રહી છે કે મુસ્કાને આવી રીતે બીજી કેટલી છોકરીઓને કામ આપવાની લાલચ આપી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી છે.