મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ભટાર રોડ પર આવેલા ખોડિયારનગરમાં રેહતા બે શ્રમજીવીઓની રૂ. ૭ હજારની લેવડદેવડના ઝઘડામાં માસૂમ બાળકનો ભોગ લેવાઈ ગયો હતો. રૂપિયા નહીં આપનાર પિતાના ૧૦ વર્ષના પુત્રનું સામે જ રેહતા યુવાને અપહરણ કરીને સાયણના વસવારી ફાટક પાસે લઇ જઈને ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારા યુવાનની ધરપકડ કરી હતી અને બાળકની લાશનો કબજો વસવારી ફાટક પાસેના એક ખેતરમાંથી લીધો હતો.  બીજા એક બનાવમાં ઉત્રાણમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલાં બિલ્ડરના ગુમ થયેલાં ૧૬ વર્ષીય પુત્રની લાશ બે દિવસ બાદ ઉત્રાણ પાવર હાઉસની સામે તાપી નદીના કિનારેથી મળી આવી હતી.

એક બનાવમાં ઉત્રાણમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલાં બિલ્ડરના ગુમ થયેલાં ૧૬ વર્ષીય પુત્રની લાશ બે દિવસ બાદ ઉત્રાણ પાવર હાઉસની સામે તાપી નદીના કિનારેથી મળી આવી હતી. ધો.૧૧ના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. બનાવ અંગે અમરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉત્રાણ ખાતે પ્લેટીનીયમ હાઈટ્‌સમાં રહેતાં પંકજભાઈ ભગવાનભાઈ વેકરિયા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પંકજભાઈ વેકરિયા પત્ની અને બે સંતાનો સહિતના પરિવાર સાથે રહે છે. પંકજ વેકરિયાનો ૧૬ વર્ષિય પુત્ર પાર્થ બુધવારના રોજ મોડી રાત્રિએ ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ વહેલી સવાર સુધી તે ઘરે પરત ન આવ્યો હતો. 

જેથી પરિવારે શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. બનાવ અંગે અમરોલી પોલીસે અપહરણની ફરિયાદ લઈ વધુ તપાસ પી.એસ.આઈ. એમ.જી.રાઠોડ કરી રહ્યા છે. એપાટર્મેન્ટના સી.સી.ટી.વી. ફૂટેજ તપાસ કરવામાં આવતા પાર્થ વેકરિયા વહેલી સવારે અંદાજે ૪.૩૦ વાગ્યાના અરસામાં તેના  એપાટર્મેન્ટમાંથી બહાર જતો દેખાયો હતો. ત્યારબાદ પાર્થ વીઆઈપી સકર્લથી કાપોદ્રા તરફ જતો સીસીટીવી ફૂટેજમાં દેખાયો હતો. દરમિયાન આજે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ પાર્થ વેકરિયાનો મૃતદેહ ઉત્રાણ પાવર હાઉસની સામે તાપી નદીના કિનારેથી મળી આવતા આપઘાત કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. 

બીજા એક બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ, ભટાર રોડ પર આવેલા ખોડિયારનગરમાં રેહતો કિશન સહાની કલરકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે લોકડાઉનના સમયગાળામાં સામે જ રેહતા અને કલરકામ કરતા આદિત્ય ઉર્ફે પાસવાન પાસેથી રૂ. ૧૪ હજાર લીધા હતા, જે પૈકી રૂ. ૭ હજાર પરત કરી દીધા હતા. અને ૭ હજાર બાકી હતા. જે આદિત્યએ પરત માંગ્યા હતા. તો કિશને છઠ પૂજા પતે પછી આપવાની વાત કહી હતી. તેની અદાવત રાખીને ગઈકાલે શુક્રવારે રાત્રિના ૮.૩૦ વાગ્યા બાદ આદિત્ય કિશનના ૧૦ વર્ષના પુત્ર આકાશને ઘર પાસેથી જ ઉઠાવી ગયો હતો. રાત્રે ૧૦ વાગ્યે પણ આકાશ ઘરે નહીં આવતા તેના પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી.  આ સમયે આદિત્ય પણ ગાયબ હતો એટલે તેણે જ આકાશનું અપહરણ કર્યું હોવાની શંકા વધુ પ્રબળ બની હતી અને આદિત્ય રાત્રિના ૧૨.૩૦ વાગ્યે ઘરે આવ્યો હતો ત્યારે કિશન અને તેના પરિવારના સભ્યોએ આદિત્યની પૂછપરછ કરી હતી પણ તેને આકાશ વિશે કાંઇ જ ખ્યાલ ન હોવાનું કહ્યું હતું. 

બીજી બાજુ ખટોદરા પોલીસ મથકે આદિત્યને લઇ જવાયો હતો જ્યાં પોલીસે તેની પૂછતાછ કરી પણ પહેલા તો તેણે કબૂલાત કરી ન્હોતી. પોલીસે ભટાર વિસ્તારના કેમેરા જોયા તેમાં તે બાઈક પર આકાશને લઇ જતો નજરે પડતો હતો. પોલીસની કડક ભાષામાં આદિત્ય ભાંગી પડ્યો હતો અને આકાશનું અપહરણ કરીને તેણે સાયણના વસવારી ફાટક પાસેના એક ખેતરમાં લઇ જઈને ત્યાં ગળું દબાવીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. મોડી રાત્રે જ પોલીસની એક ટીમ આદિત્યને સાથે રાખીને સાયણના વસવારી ફાટક પાસેના ખેતરમાંથી માસુમ બાળક આકાશની લાશને કાઢી હતી. માત્ર રૂ.૭ હજારની લેવડ દેવળ માટે આદિત્યએ માસુમ બાળક આકાશને મોતને ઘાટ ઉતારી દીધો હતો.