રવિ ખખ્ખર (મેરાન્યૂઝ.વેરાવળ): ધંધામાં નિષ્ફળ જતા સોમનાથના દરિયા કીનારે સુસાઇડ કરવા આવેલા સુરતના પટેલ યુવાનને પ્રભાસ પાટણ પોલીસે બચાવી તેને જીવનનું મુલ્ય સમજાવી આપઘાતનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બુધવારે સવારે દસેક વાગ્યા આસપાસ સોમનાથ ગુડલક સર્કલ પાસે પંચરનું કામ કરતા યુવાન પાસે ગાડીનું પંચર કરાવી ચીઠ્ઠી આપી હતી. તેમાં જણાવ્યું હતું કે, આ ચીઠ્ઠી મારા પરિવારજનોને પહોંચાડી દેવાનું કહી વાહન લઇ યુવાન ત્યાંથી જતો રહ્યો હતો. દરમ્યાન સોશ્યલ મીડીયામાં આ યુવાનના ફોટો વાયરલ થયો હોય તેમાં સુસાઇડ કરવાના ઇરાદે ઘરેથી નીકળેલો હોવાની જાણ પ્રભાસ પાટણ પોલીસને થતા આ બનાવની ગંભીરતા દાખવી પી.આઇ. જી.એમ.રાઠવા, હેમંતભાઇ પુનાભાઇ, કુલદીપસિંહ જયસિંહ, ભાવેશભાઇ ગોવિંદભાઇ, હિતેશભાઇ ભર્ગા સહીતના તાત્કાલીક શોધખોળ હાથ ધરતા બપોરે બાર વાગ્યા આસપાસ સોમનાથના દરિયા કાંઠેથી સુસાઇડનો પ્રયાસ કરતા એક યુવાનને અટકાવી તેની પુછપરછ હાથ ધરી હતી.

તેને પુછતાં જાણવા મળ્યું કે  તે જયેશ જેન્તીભાઇ રીબડીયા પટેલ ઉ.વ.૩પ્ રહે.હાલ સુરત હોવાનું જણાવ્યું હતું. તેણે એવું પણ કહ્યું કે ધંધામાં નિષ્ફળ જતા સુસાઇડ કરવાનું નકકી કરેલું હોવાનું જણાવતા પી.આઇ. રાઠવા એ યુવાન જયેશ રીબડિયાને પરિવારના સભ્યોની જવાબદારી તેમજ જીવનનું મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ તેમના પરિવારજનોને અત્રે બોલાવી મીલન કરાવી માનવતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. આમ, પ્રભાસ પાટણ પોલીસની સંતકર્તાથી એક યુવાનને આપઘાત કરતારોકી તેને નવું જીવન આપેલ છે.

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]