મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: કોરોના મહામારી વચ્ચે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સુરત પાલિકાના તાલીમાર્થી કર્મી અનિલ ચૌધરીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પાલિકાના તાલીમાર્થી કર્મીની પત્નીએ જણાવ્યું હતું કે, ફાયનાન્સર પાસેથી ૧૦ ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા. બે વર્ષમાં ૨૪ લાખ આપ્યા હતા. ત્યારબાદ ૧૩ લાખ મકાન વેચીને આપ્યું હતું, જોકે, વ્યાજખોરોએ ૩૦ લાખના ચેક નાખી રીટર્ન કરાવી નોટિસ આપી હતી. જેથી અનિલ માનસિક તણાવમાં આવી ગયા હતા અને આ આકરું પગલું ભરી લીધું હતું.

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના લિંબાયત નિલગીરી રંગીલા નગરમાં અનિલ કૈલાશ ચૌધરી બે પુત્રી અને એક પુત્ર અને પત્ની સાથે રહે છે. અનિલ પાલિકાના ઉધના દબાણ ડેપોમાં છેલ્લા ૨૦ મહિનાથી તાલીમાર્થી કર્મચારી તરીકે નોકરી કરે છે. અનિલ છેલ્લા ૩-૪ દિવસથી માનસિક તણાવમાં હતો. દરમિયાન આજે બપોરના ભોજન બાદ આરામ કરવાના બહાને મિત્રોથી છૂટો પડીને ઉંઘની ગોળીઓ અને કોઈ પ્રવાહી પી લીધું હતું. ત્યારબાદ ઊલટીઓ શરૂ થતાં મિત્રો દોડી આવ્યા હતા. પૂછપરછમાં ઝેરી દવા પી લીઘી હોવાનું કહેતા ૧૦૮માં સ્મીમેર લઈ આવ્યા હતા. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેના ખીચ્ચામાંથી બે પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. 

આપઘાતનો પ્રયાસ કરનાર અનિલની પત્ની યોગીતાએ જણાવ્યું હતું કે, ફાયનાન્સર પાસેથી ૧૦ ટકા વ્યાજ પર ૨૫ લાખ રૂપિયા લીધા હોવાની વાત છે. બે વર્ષમાં ૨૪ લાખ આપ્યા હતા. એક વર્ષ પહેલા ૧૫ લાખ આપવાના નીકળતા હોવાનો હિસાબ હતો. ત્યારે ૧૩ લાખ રૂપિયા મકાન વેચીને આપ્યું હતું. ૧૦ લોકોની મધ્યસ્થી બાદ વ્યાજખોરોને ના પાડી હતી કે હવે રૂપિયા આપવા નહિ અને ૨ લાખ આપીને પેપર આપવાની વાત હતી. જોકે, વ્યાજખોરોએ એસબીઆઈ ૩૦ લાખના ચેક નાખી રીટર્ન કરાવી નોટિસ આપી હતી. જેથી અનિલ તણાવમાં આવી આ આકરું પગલું ભર્યું છે.