મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં પાટીદાર આંદોલન અંતર્ગત રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાના સુરત સ્થિત ઘરે જઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેના પરિવારજનોને હુંફ આપી હતી. આ પ્રસંગે તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, સુરત સહીત સમગ્ર ગુજરાતમાં દિવાળીની સુસ્તી સાબિત કરે છે કે, જીએસટી અને નોટબંધીએ સમગ્ર દેશની આર્થીક કમર તોડી નાખી છે. તેમણે વધુમાં કહ્યું કે, રામ મંદિર ગયા સાડાચાર વર્ષમાં બની જવું જોઈતું હતું.

ગુજરાતમાં રાજદ્રોહના કેસમાં પકડાયેલા અલ્પેશ કથીરિયા અત્યારે સાબરમતી જેલમાં છે. ત્યારે દિવાળીના તહેવારોમાં અલ્પેશના પરિવારને હુંફ આપવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે તેના ઘરે ગયા હતા. જ્યાં અલ્પેશની બહેને તિલક કરી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શંકરસિંહે જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરિયાને કોર્ટ ક્યારે છોડશે તે ખબર નથી. આથી તેના પરિવારને સધિયારો મળે તે માટે તેના પરિવારજનો અને બીજા યુવકોને મળતા તેમણે સરકાર ધ્વારા કરવામાં આવતી હેરાનગતિ સામે આક્રોશ વ્યકત કર્યો હતો. આ અંગે તેમણે રાજ્ય સરકારને કોઈના તહેવાર નહિ બગાડવા વિનતી કરી કહ્યું કે, સરકારે મોટું મન રાખવું જોઈએ.

આ પ્રસંગે શંકરસિંહે કહ્યું કે, ભાજપ હવે સરકાર બનવાની નથી એટલે રામ મંદિરનો જુનો મુદ્દો ફરી ઉઠાવી રહી છે.પરંતુ ભાજપ સરકારે સંપૂર્ણ બહુમતી હોવા છતાં આ અંગે કઈજ કર્યું નથી. ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, રામના નામે ભાજપ અને સંઘ લોકોને ફરી છેતરવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેઓ હવે ફાવશે નહિ. મંદિરથી કોઈનું પેટ ભરતું નહિ હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, ભાજપ ધ્વારા સરકારની નિષ્ફળતાઓ ઢાંકવા માટે ફરી આ મુદ્દો ચગાવવામાં આવી રહ્યો છે. બાકી શહેરોના નામ બદલવાથી પ્રજાને કોઈ જ ફાયદો થવાનો નહી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, પ્રજા હવે બધું જ સમજે છે.