મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ રાજ્ય સરકરાના નિર્ણયને અવગણી શહેરની 285 શાળાના સંચાલકોએ નવરાત્રિના વેકેશનમાં પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા સરકારનું કાંઇ વજૂદ કે વજન ન હોવાનું ફલિત થયું છે. ત્યારે હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા નીકળેલા જિલ્લા શિક્ષણાધિકારી સંચાલકોને નોટિસ આપવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા 10 થી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. સુરતની 285થી વધુ સ્કૂલો નવરાત્રિ વેકેશન હોવા છતા ચાલુ રહી છે. વેકેશનમાં શાળા ચાલુ રાખનાર ગ્રાન્ટેડ અને ખાનગી શાળાનો આંકડો વધી રહ્યો હોવાની વાત છે. જેને કારણે જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે. 

શિક્ષણ વિભાગે 10 થી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન જાહેર કર્યું હતું. જેને લઈ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી અને વાલીઓએ શિક્ષણ વિભાગનો ભારે વિરોધ કર્યો છે. તેમનો વિરોધ એમ છે કે, નવરાત્રિ વેકેશન બાદ તરત જ પરીક્ષા આવી રહી છે અને ખરેખર તો આ જ દિવસોમાં વિદ્યાર્થીઓનું ભણવાનું હોય છે. મહત્વની વાત એ છે કે,  પોલીસ કમિશનરે રાત્રે 12:00 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપી છે. જેથી નવરાત્રિ રમનાર વિદ્યાર્થીને રાત્રે પૂરતી ઊંધ મળવા સાથે બીજા દિવસે તે શાળા, કોલેજ અને યુનિવર્સિટી અભ્યાસ આવી શકે તેમ છે.

 જિલ્લા શિક્ષણાધિકારીના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવરાત્રિ વેકેશનના પહેલા જ દિવસે બે ગ્રાન્ટેડ સહિત 285 શાળાઓ ચાલુ રહી હતી. જોકે, બીજા દિવસે તે વધી ગઈ હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતું. આ શાળાઓ માટે નોટિસ તૈયાર કરી દીધી છે. જેને અગામી એક કે બે દિવસમાં આપવા જઈ રહ્યા છે. જેમાં એમ છે કે, બોર્ડના પરિપત્ર અનુસાર નવરાત્રિ વેકેશન અપાયું હતું પણ તમારી શાળાએ ક્યાં કારણસર રજા નહીં આપી તેનો જવાબ લેખિતમાં આપવો.