મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં ભાજપના નેતા હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સુરતના સરથાણાના યુવા ભાજપના નેતા યોગેશ મુંજપરાની સામે 1 કરોડ રૂપિયાની ખંડણી માગવાની ફરિયાદ થઈ છે. આ કેસમાં તે શાળાના સંચાલકને ધમકાવતા હતા કે શાળા ગેરકાયદે છે તેને તોડાવી નાખીશ. આવી ધમકીઓ આપીને તે 1 કરોડ રૂપિયાની માગણી કરતો હતો. આ ઘટનામાં યોગેશ મુંજપરાની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં કામરેજ ખાતે વેલંજા ગામ આવેલું છે ત્યાં ટેટાલઈઝર મોર્ડન સ્કૂલ છે. આ શાળાના સંચાલકને યુવા ભાજપ નેતા તમારી શાળા ગેરકાયદે છે અને તેને હું બંધ કરાવી દઈશ. ખોટા કેસમાં ફસાવી દઈશ વગેરે બાબતે હેરાન કરતો હતો. રૂપિયા 1 કરોડની ખંડણી માગનાર યોગેશ નનુ મુંજપરા (રહે, નંદની રો હાઉસ, વેલંજા, કામરેજ)નો ત્રાસ વધી ગયો હતો. શાળા સંચાલક આ પ્રકારની ધમકીઓથી કંટાળી ચુક્યા હતા.

આમ તો યુવા ભાજપના નેતા યોગેશ હાલમાં સાડીઓના જોબવર્કનું કામ કરે છે. શાળાના સંચાલકને વર્ષ પહેલા યોગેશે શાળા ગેરકાયદે છે તેવું કહીને બંધ કરવાની ધમકી આપી હોવાની વિગત મળી હતી. તેણે આ માટે અલગ અલગ સરકારી કચેરીઓમાં અરજીઓ પણ કરી હતી. યોગેશે આ ઉપરાંત બીજા મારફતે હુમલો કરાવવાની ધમકી પણ આવી હોવાની વિગતો ખુલવા પામી છે. પોલીસે યોગેશ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.