મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ રાજ્યના આર્થિક પાટનગર સુરત શહેરમાં રેમડેસિવિર ઈન્જેકશન બાદ હવે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે જરૂરી એવા પ્લાઝમાની અછત સર્જાવા પામી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં પ્લાઝમાની વ્યવસ્થા ન હોવાને કારણે ખાનગી હોસ્પિટલોમાં સારવારગ્રસ્ત દર્દીઓના પરિવારજનો નાછૂટકે હજ્જારો રૂપિયા ખર્ચીને ખાનગી બ્લડ બેંકમાંથી પ્લાઝમા ખરીદવા માટે મજબુર બની રહ્યા છે.

કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેરમાં મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પગલે ખાનગી તો ઠીક સિવિલ હોસ્પિટલમાં સારવારગ્રસ્ત દર્દીઓના પરિવારજનો પણ પ્લાઝમા માટે ઠેર - ઠેર ભટકી રહ્યા છે. કોરોના વાયરસની સારવાર દરમિયાન આવશ્યક એવા પ્લાઝમાના હાલ સુરત શહેરની ખાનગી બ્લડ બેંકો દ્વારા ધૂમ કાળા બજાર કરવામાં આવી રહ્યા હોવાનો આક્રોશ પણ દર્દીઓના પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હાલના સંજોગોમાં પ્લાઝમા માટે ખાનગી બ્લડ બેંકોમાં ભટકતા દર્દીઓના પરિજનો પાસેથી ૧૦થી ૧૫ હજાર રૂપિયામાં પ્લાઝમા આપવામાં આવી રહ્યા હોવાના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે.


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, સુરત શહેર - જિલ્લામાં આજની તારીખમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં હજ્જારો દર્દીઓ કોરોના વાયરસની સઘન સારવાર હેઠળ છે. જે પૈકી મોટા ભાગના દર્દીઓની હાલત ભગવાન ભરોસે જેવી છે. ખાનગી હોસ્પિટલમાં સારવારગ્રસ્ત દર્દીઓના પરિવારજનો વહેલી સવારથી જ રેમડેસિવિર ઈન્જેકશન માટે ઠેર - ઠેર લાઈનોમાં ઉભા રહેલા નજરે પડે છે ત્યારે હવે પ્લાઝમાના દુકાળથી સ્થિતિ વધુ વિકટ બનવા પામી છે. આ સંદર્ભે જ્યાં સુધી મહત્તમ સંખ્યામાં પ્લાઝમા ડોનરો દ્વારા સ્વૈચ્છિક રીતે રક્તદાન નહીં કરવામાં આવે ત્યાં સુધી આ સમસ્યા પર અંકુશ મેળવાય તેવી કોઈ સંભાવના નથી.

સિવિલમાં જ પ્લાઝમાની ભારે અછત

હાલ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત ૧૫૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.  સિવિલ હોસ્પિટલમાં જ પ્લાઝમાની ભારે અછત હોવાને કારણે દર્દીઓના પરિવારજનો ખાનગી લેબોરેટરીમાંથી પ્લાઝમાની ખરીદી કરવા માટે મજબૂર બન્યા છે. સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરવા માટે રોજના માંડ પાંચથી છ રક્તદાતા આવી રહ્યા છે. જયારે હાલની સ્થિતિમાં માત્ર સિવિલ હોસ્પિટલના દર્દીઓના આંકડાને જ ધ્યાને રાખીએ તો ઓછામાં ઓછા ૧૫થી ૨૦ પ્લાઝ્‌મા ડોનરની આવશ્યકતા છે.જેને પગલે સિવિલના વહીવટી તંત્ર દ્વારા પણ પ્લાઝમા ડોનરોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ હાલની સ્થિતિને ધ્યાને રાખીને પ્લાઝમા ડોનેટ કરે જેથી સારવારગ્રસ્ત દર્દીઓને પણ લાભ મળી શકે છે.


 

 

 

 

 

સિવિલ - સ્મીમેરમાં રોજના સેંકડો ફોન

ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-૧૯ સંક્રમણનો ભોગ બનેલા અને સારવારગ્રસ્ત દર્દીઓના પરિવારજનો પ્લાઝમા માટે સૌથી પહેલા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે પૂછપરછ કરતાં હોય છે. આ બન્ને સ્થળે ધરાર નિરાશા હાથ લાગતાં નાછૂટકે ખાનગી બ્લડ બેંકમાં ઉંચા ભાવ ચૂકવીને પ્લાઝમા ખરીદવા માટે મજબુર બનવું પડતું હોય છે. એક અંદાજ મુજબ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં રોજના ૩૦૦થી વધુ નાગરિકો દ્વારા પ્લાઝમાની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેને પગલે હાલ કેટલીક ખાનગી બ્લડ બેંકો દ્વારા ૯થી ૧૦ હજાર રૂપિયામાં મળતા પ્લાઝમાના ૧૫ હજાર રૂપિયા સુધીની રકમ વસુલવામાં આવી રહ્યા હોવાનો દર્દીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.