મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કતારગામ અશ્વિનકુમાર સ્માશન ગૃહ નજીક આવેલી ઝાડીમાં બુધવારે  સાંજે ચાર વર્ષની માસુમ બાળકી ઉપર પાશવી બળાત્કાર કરનાર નરાધમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે. નરાધમ બાળકી પર બળાત્કાર કર્યા બાદ કાપોદ્રા તરફ ભાગી ગયો હતો. ત્યાં લોકડાઉનને કારણે બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા તેને અટકાવી લોકડાઉનમાં કેમ ફરે છે  તેમ કહેતા તે ગભરાયો હતો અને પોલીસની પુછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી.

કતારગામ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અશ્વિનકુમાર સ્માશન ગૃહ પાસે આવેલ ઝૂંપડપટ્ટી નજીક ખુલ્લા પોપડામાં ગઈકાલે સાંજે ચાર વર્ષની માસુમ બાળકી કુદરતી હાજત કરવા માટે ગઈ હતી તે વખતે એક અજાણ્યો તેનું અપહરણ કરી નજીકમાં આવેલ ઝાડી ઝાંખરામાં લઈ જઈ તેની સાથે બળાત્કરા અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું. દરમિયાન કોઈએ બુમો પાડતા નરાધમ બાળકીને પથ્થર પર ફેંકી નાસી ગયો હતો. બાળકીને પથ્થર પર ફેંકતા પગમાં ફ્રેક્ચર થયું હતું.બનાવ અંગેની જાણ થતા કતારગામ પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ દોડતી થઈ હતી અને બનાવ અંગે ગુનો દાખલ કરી  બાળકીને મેડિકલ પરીક્ષણ અને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

કતારગામ પોલીસે સીસીફુટેજના આધારે નરાધમને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. નરાધમ બાળકી પર બળાત્કાર કર્યા બાદ કાપોદ્રા તરફ ભાગી ગયો હતો તે દરમિયાન લોકડાઉનમાં બંદોબસ્તમાં રહેલ પોલીસે તેને અટકાવી લોકડાઉનમાં ક્યાં ફરે છે તેમ પૂછતા તે ગભરાય ગયો હતો જેથી પોલીસે તેની કડક પૂછપરછ કરતા બળાત્કારના ગુનાની કબુલાત કરી હતી તે દરમિયાન કતારગામ પોલીસની ટીમ પણ તેને શોધતી શોધતી કાપોદ્રા પહોંચી હતી.

પોલીસે નરાધમની પુછપરછ કરતા આરોપીએ તેનું નામ નિતેશ રામનરેશ રાજપુત (ઉ.વ.૨૬. રહે, કાપોદ્રા) હોવાની કબુલાત કરી હતી. પોલીસે નિતેશ રાજપુતની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.