મેરાન્યૂઝ નેટવર્ક, સુરત:  સરથાણા પોલીસે ગુજરાતના ભૂતપૂર્વ ભાજપ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર પીડિતાને તપાસના કામે ગઇકાલ બુધવારે દિવસ દરમિયાન ત્રણ ફોન કરી પોલીસ મથક પર હાજર થવાની વાત કરી હતી. પરંતુ પીડિતા પોલીસ મથક તરફ ફરકી ન હતી.

પોલીસ સૂત્રોમાંથી સાંપડતી માહિતી મુજબ સરથાણા પોલીસે પીડિતાને ત્રણ વખત ફોન કર્યા હતા. જેમાં પીડિતાએ એવું કહ્યું હતું કે હું મારા વકીલ સાથે છું. થોડા સમય પછી આવી જઈશ. પીડિતાએ જ્યારે પોલીસને આ વાત કરી ત્યારે પીડિતાના વકીલ એક અન્ય સ્થળે હાજર હોવાનું જણાયું છે. જેના કારણે પીડિતા જુઠાણું ચલાવતી હોવાનું સપાટી પર આવ્યું હતું.

તપાસનો દોર સંભાળનારા ડીસીપી ડો. લીના પાટિલે કહ્યું હતું કે જયંતી ભાનુશાળીને પકડી પાડવા શહેર પોલીસની એક ટીમ એકાદ બે દિવસમાં અમદાવાદ જશે.

કોર્પોરેટર દિનેશ કાછડિયાના પ્રકરણમાં પૂછપરછ કરવાની જરૂર હોવાની વાતને ધ્યાને લઈ ક્રાઇમ બ્રાંચે મંગળવારે પીડિતાને બુધવારે હાજર રહેવાની સમજ લેખિતમાં આપી હતી. પણ બુધવારે આ પીડિતા ક્રાઇમ બ્રાંચમા હાજર થઈ ન હતી.

તપાસનીશ અધિકારી પીઆઈ પી.એલ. ચૌધરીએ કહ્યું હતું કે પોલીસ ત્રણ-ચાર વખત આ રીતે સમજ આપી શકે છે. ત્યાર પછી કાયદેસરની કાર્યવાહી કરે છે. આ કિસ્સામાં બે વખત સમજ આપવામાં આવી હોવા છતાં યુવતી હાજર થઈ નથી. હજુ એકાદ બે વખત સમજ આપવામાં આવશે ત્યાર બાદ કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવશે.