મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: શહેરના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કેસનો ફરાર આરોપી અનિલ યાદવ સુરત પોલીસના હાથે બિહારથી ઝડપાઇ ગયો હતો અને રવિવારે મોડી રાત્રે પોલીસ તેને સુરત લઇને આવી ગઇ હતી. અનિલ યાદવે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે 14 ઓક્ટોબરની રાત્રે મોબાઇલ પર અશ્લીલ વીડિયો જોતો હતો તે વખતે સાડા ત્રણ વર્ષની બાળકી રૂમમાં આવી જતા તેની વાસનાનો કિડો સળવળ્યો હતો અને બાળકીને ચુંથી નાંખ્યા બાદ તેણીની હત્યા કરીને ટ્રેન મારફતે બિહાર ભાગી ગયો હતો.

સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આરોપી અનિલ યાદવ મુળ બિહારના બક્સર જિલ્લામાં આવેલા લોહંદી ગામનો વતની છે અને સુરતમાં છેલ્લાં 7 વર્ષથી રહેતો હતો. અનિલ પહેલા એમ્બ્રોઇડરીના કારખાનમાં કામ કરતો હતો અને છેલ્લાં બે મહિનાથી ગોડાદરામાં રહેવા આવ્યો હતો અને કલરકામમાં જોડાયો હતો. 14મીએ રાત્રે બાળકી પર બળાત્કાર અને હત્યા કરીને બિહારમાં મનીયાગામમાં રહેતા વિનોદ યાદવના ઘરે છુપાયો હતો. સુરત પોલીસે બિહાર પોલીસની મદદથી તેને પકડીને બક્સર કોર્ટમાં રજૂ કરી 4 દિવસના ટ્રાન્સીસ્ટ રિમાન્ડ મેળવ્યા હતા.રવિવારે રાત્રે અનિલ યાદવને સુરત લવાયો છે.