મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ મોદી સમાજ અંગે ટિપ્પણી સંદર્ભે રાહુલ ગાંધી પર માનહાની (બદનક્ષી)નો કેસ થયો હતો જે સંદર્ભે આજે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેઓ હાજર થયા હતા. રાહુલ ગાંધીના આવવાથી મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ કોર્ટ ખાતે આવી ગયા હતા. જ્યારે કોર્ટમાં રાહુલ ગાંધીને ગુનો કબુલ છે તે અંગે પુછવામાં આવ્યું તો રાહુલ ગાંધીએ ગુનો કબૂલવાથી સાફ ઈનકાર કરી દીધો હતો. કોર્ટે આ અંગે કેસની વધુ સુનાવણી આગામી 10 ડિસેમ્બરે કરવાનું કહ્યું છે.

બાબત એવી હતી કે, બેંગલોરથી થોડા દુર ગત 13 એપ્રિલ 2019માં કોંગ્રેસની એક મોટી રેલી હતી જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીની સરખામણી નીરવ મોદી, મેહુલ ચોક્સી, લલીત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત નરેન્દ્ર મોદીએ 30 હજાર કરોડ રાફેલના સોદામાં પોતાના મિત્ર અનીલ અંબાણીને આપ્યા હોવાની ટીપ્પણી મામલે સુરત કોર્ટમાં એડવોકેટ  હસમુખ લાલવાલા, માયા વોરા અને શૈલેષ પવાર દ્વારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી.

આ ઉપરાંત હાલના ગૃહમંત્રી અમિત શાહને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી સામે મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો વધુ એક કેસ થયો હતો જેની મુદ્દત આવતીકાલે 11 ઓક્ટોબરે છે જેથી તે આવતીકાલે અમદાવાદની મેટ્રોકોર્ટમાં હાજર રહેશે.