મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોરોના વાયરલને લઈને સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકોને ઘરની બહાર બિનજરૂરી નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આમ છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરાવવા માટે રેપિડ ઍકશન ફોર્સ તૈનાત કરવામા આવી છે. જેમાંથી ઍક ટુકડી ગુરુવારે મોડી સાંજે સુરતમાં આવી ગઈ હતી.  શહેરના અલગ અલગ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી.

સરકાર દ્વારા કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા માટે લોકોને ઘરની બહાર નહીં નીકળવાની સ્વયંશિસ્ત લોકડાઉન પોલીસે અમલી બનાવ્યું છે. તંત્ર દ્વારા લોકોને ધર નજીક સરળતાથી વસ્તુ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આવી દુકાનનોને ચોવીસ કલાક ચાલુ રાખવાનો પણ આદેશ મ્યુનિસિપલ કમિશનરે  કર્યો છે આવશ્યક ચીજવસ્તુના જથ્થાની કોઈપણ પ્રકારની ઘટ પણ નથી. દૂધ, શાકભાજીથી લઈને ફળફળાદી સુધીનો મોટા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે.

આટલી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં કેટલાક લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળી રહ્યા છે, પોલીસ દ્વારા તેમને સમજાવી પરત ઘરે મોકલવામાં આવી  રહ્યા છે.  ઘણા વિસ્તારમાં લોકો પોલીસને સહકાર આપવાની જગ્યાઍ તેમની સાથે માથાકુટ કરી રહ્યા છે. જેથી નાછૂટકે પોલીસે  બળપ્રયોગ કરવો પડે  છે.

દરમિયાન રાજય સરકાર દ્વારા લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરાવવા માટે રેપિડ ઍકશન ફોર્સને તૈનાત કરવામાં આવી છે.  અમદાવાદમાં તૈનાત કર્યા બાદ ઍક ટીમ સુરતમાં પણ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા શહેરના ગલી મહોલ્લામાં ભેગા થતા લોકો પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા ઉડાવવાનો નિર્ણય લીધો છે.