મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના અમરોલી પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીનો એક વીડિયો વાયરલ થયા બાદ ભારે ઉહાપોહ મચ્યો છે. આ વીડિયોમાં તેઓ પોતાની બર્થડે કેક તલવારથી કાપે છે. જેને કારણે વિવાદ શરૂ થયો છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં જાહેર માર્ગો પર જન્મ દિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે જાહેર માર્ગ પર જન્મ દિવસની ઉજવણી સુરત સહિત રાજ્યના ઘણા શહેરોમાં દેશના ઘણા રાજ્યોમાં પણ થાય છે. તલવાર એક હથિયાર છે અને આ હથિયાર સાથે અમરોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ મહિપાલસિંહ પઢિયાર જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરવા તલવારથી કેક કાપે છે અને તે અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થઈ જતાં વિવાદ ઊભો થયો છે.

એક તરફ લોકો માટે પ્રતિબંધ અને પોલીસ ખુદ કેક જાહેરમાં તલવારથી કાપે તો કાંઈ નહીં? તેવા સવાલો સોશ્યલ મીડિયાએ ઉઠાવ્યા છે. અગાઉ સુરતમાં આવી રીતે યુવાનોએ જાહેરમાં જન્મ દિવસ ઉજવ્યા પછી પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને આવી ઉજવણી પર પ્રતિબંધ મુક્યો હતો. જેને પગલે લોકોમાં આ પીએસઆઈ સામે પણ પગલા લેવાય તેવી માગ ઉઠી છે પણ હજુ સુધી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થતાં આ પીએસઆઈની વગ ઉપર લોકોની ચર્ચાઓ ઉઠી છે.