મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ ભારતીય સંસ્કૃતિમાં સામાન્ય રીતે સગર્ભાને મહેનતના કામથી દૂર રાખવામાં આવે છે. તેની વિશેષ કાળજી રાખવામાં આવે છે. તેવા સંજોગોમાં સગર્ભા ગરબે ઘૂમે એ વાત શક્ય બને તેવું લાગે છે, હા, પણ શક્ય બની છે સુરતમાં. સગર્ભા સાથે તાજેતરમાં જ બાળકને જન્મ આપનારી માતાઓ પણ ગરબે ઘૂમી હતી. 150 મહિલાઓએ ગરબાનો આનંદ માણી સગર્ભા પણ ગરબે ઘૂમી શકે તે વિશે જાગૃતિ કેળવવાની કામ કર્યું હતું. 

સુરતમાં 101 પ્રેગનન્સી સેન્ટર દ્વારા ખાસ સગર્ભા મહિલા માટે વિશેષ ગરબાનું આયોજન કરીને પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ ગરબાના તાલે ગમતાં સ્ટેપ રમીને આનંદ માણ્યો હતો. સાથે જ પેટમાં ઉછરી રહેલા બેબીએ પણ આ નવરાત્રિને માણી હોવાનું સગર્ભાઓએ જણાવ્યું હતું.

અલથાણ વિસ્તારમાં આવેલી સોહમ સર્કલ પાસે ગાર્ડન ઓફ ઈડન રેસ્ટોરન્ટમાં ખાસ પ્રેગનન્ટ અને નવી બનેલી માતાઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.101 પ્રેગનન્સી સેન્ટર દ્વારા યોજવામાં આવેલા ગરબામાં 150 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં 40થી વધુ પ્રગેનન્ટ મહિલાઓ ગરબાના તાલે ગરબે ઝુમી હતી. નવી બનેલી માતાઓએ પોતાના બાળકો સાથે ગરબા લીધા હતાં. તો પ્રેગનન્ટ માતાઓએ બેબી બમ્બ સાથે ગરબાંનો આનંદ માણ્યો હતો.