મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ પોલીસની પરંપરામાં જ્યારે  કોઇ ઉપરી અધિકારી મળે ત્યારે પોલીસ અધિકારી કે કર્મચારી તે અધિકારીને સેલ્યુટ કરે છે. સેલ્યુટ કરતી વખતે સલામ સર એવું બોલે  છે. પોલીસની આ પરંપરા હવે ભૂતકાળ બની જશે કારણ કે પોલીસ કમિશનરે આદેશ જારી કરી હવે પછી સેલ્યુટ કરતી વખતે સલામને બલદે બુલંદ અવાજે જયહિન્દ  બોલાવાનો લેખિતમાં હુકમ કર્યો છે.
સામાન્ય રીતે લોકો જયારે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કે પછી પોલીસ મથકમાં ફોન કરે છે ત્યારે સામેથી પોલીસ કર્મચારી નમસ્કાર અથવા સલામ શબ્દ બોલીને પોતાની ઓળખ આપતા હોય છે પરંતુ હવેથી પોલીસ અધિકારી કે કર્મચારી જયારે સરકારી ફોન કે મોબાઈલ રિસિવ કરશે ત્યારે વાતની શરૂઆત ‘સલામ’ના બદલે ‘જયહિન્દ’ બોલીને કરશે અને આ અંગેનો પોલીસ કમિશનરે પરિપત્ર પણ બહાર પાડ્યો છે.

પોલીસ કમિશનર સતીશ શર્માએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર તેમના ડિપાર્ટમેન્ટને અનુલક્ષીને છે જેમાં જણાવ્યું છે કે પોલીસ સ્ટેશન કે શાખામાં ફરજ બજાવતા તમામ કર્મચારી- અધિકારી જયારે પણ કોઈ સરકારી ફોન-મોબાઈલ કોલ રિસિવ કરશે ત્યારે વાતની શરૂઆત ‘સલામ’ના બદલે ‘જયહિન્દ’થી કરશે. ત્યારબાદ પોતાની કચેરી તથા પોતાની ઓળખ આપવાની રહેશે. તેમજ સેલ્યુટ કરતી વખતે પણ બૂલંદ અવાજમાં ‘જયહિન્દ’ બોલવાનું રહેશે.

થોડા સમય પૂર્વે દેશભરના ડીજીપીની ગુજરાતમાં બેઠક  મળી તેમાં જયહિન્દ બોલાવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ કેટલાક કિસ્સામાં પોલીસ કર્મચારીઓ હજુ પણ જયહિન્દ ન બોલતા હોવાની વાત ધ્યાન પર આવતા આ હુકમ પોલીસ કમિશનરે કરવો પડ્યો છે તેવું પોલીસ બેડામાંથી જાણવા મળી રહ્યું છે.