પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.સુરત): વર્ષો સુધી પોલીસની એક પરંપરા રહી છે, પોલીસને પગાર ઉપરાંત અઢળક જગ્યાએથી પૈસા કમાવાની તકો છે, પરંતુ પોલીસ કોઈના મૃત્યુ પછી, દેહ વ્યાપાર કરતી સ્ત્રીઓ પાસે અને મુંગા જાનવરોની કતલ કરતાં કસાઈઓના પૈસા લેતી ન્હોતી. જોકે લાગે છે હવે આ માન્યતા ભૂતકાળ થઈ ગઈ છે. સુરતના માંડવી પોલીસ સ્ટેશનમાં જમીન પ્રકરણમાં ક્વૉરી માલિક દુર્લભ પટેલે કરેલી આત્મહત્યા પછી સુરત ગ્રામ્ય પોલીસે એક પત્રકાર અને પોલીસ સહિત દસ આરોપીઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે, પરંતુ સુરત ગ્રામ્ય પોલીસની શંકાસ્પદ ભૂમિકાને ધ્યાનમાં લઈ ડીજીપી આશિષ ભાટીયાએ સમગ્ર મામલો સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે.

છેલ્લા એક દસકામાં ગુજરાત પોલીસના અધિકારીઓને સમજાયું છે કે, દારુ જુગારના પૈસામાં બદનામી વ્હોરવાને બદલે જમીનના કેસમાં બદનામી વગર દારુ જુગાર કરતાં અનેક ગણું ઊંચુ વળતર મળે છે. જેના કારણે અનેક અધિકારીઓ દારુ જુગારમાં પાક-સાફ રહી હવે જમીનના ધંધામાં વળ્યા છે. 


 

 

 

 

 

આવી જ એક ઘટના સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા માંડવી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં દુર્લભ પટેલ નામની વ્યક્તિએ જમીન પ્રકરણમાં આત્મહત્યા કરી લીધા બાદ પોતાની અંતિમ ચિઠ્ઠીમાં સુરતના પોલીસ અધિકારીઓ અને પત્રકાર માનસીક ત્રાસ આપતા હોવાના કારણે તેઓ આવું અંતિમ પગલું ભરે છે તેવો ઉલ્લેખ કરી જીવનનો અંત આણ્યો હતો. આ મામલે ગુનો નોંધાયા બાદ કથિત આરોપીઓ ફરાર થયા હતા અને સુરત ગ્રામ્ય પોલીસના દાવા પ્રમાણે તેઓ એક પછી એક પકડાવા લાગ્યા હતા.

 

આ ઘટનાના પંદર દિવસમાં જ એક મહત્વની ઘટના સુરત ગ્રામ્ય પોલીસમાં બની છે. સુરત ગ્રામ્ય પોલીસે મૃતક દુર્લભ પટેલના પરિવાર સામે જમીન મામલે ગુનો નોંધ્યો. સૂત્રોની જાણકારી પ્રમાણે કથિત આરોપીઓ સાથે જ સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓના મેળાપીપણામાં આરોપીઓને હાજર કરવા અને ફરિયાદી પરિવાર સામે જ ગુનો નોંધી તેમને સમાધાનના ટેબલ ઉપર લાવવા માટે આખું ષડયંત્રી રચવામાં આવ્યું હતું.

પોલીસની નસે-નસ જાણતા ડીજીપી આશિષ ભાટીયાને જ્યારે સમગ્ર મામલાની જાણ થઈ ત્યારે તેમણે આ સમગ્ર મામલો સુરત ગ્રામ્ય પોલીસ પાસેથી લઈ સુરત સીટી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી છે. પૈસા અને સત્તાના જોરે કામ કરતાં અધિકારીઓ ભૂલી જાય છે કે તેમની સત્તા અને પૈસા કરતાં નિયતિની તાકાત વધારે છે. જેના પરિણામની તેમને કલ્પના પણ નથી.