હરેશ ભટ્ટ (મેરાન્યૂઝ.સુરત): સામાન્ય સંજોગોમાં પોલીસની વાત આવે એટલે નજર સમક્ષ એક ચહેરો ઉપશે જેમાં ગાળા ગાળી અને મારા મારી કરતા રુક્ષ અને ક્રોધી પોલીસ જોવા મળે. પણ, આપણે આજે પોલીસના બીજા ચહેરાની વાત કરવી છે. જેમાં શ્રમિકો, અનાથ ગરીબો માટે દેવદૂતના રૂપમાં જોવા મળી છે. પોલીસની અંદર રહેલો માનવતાનો માહ્યલો જાગૃત થયો ને ઠેર ઠેર ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારવાનું માનવતાવાદી કાર્ય શરૂ થયું. પ્રતિદિન આશરે 2,000થી વધુ લોકોને બે ટંકનું ભોજન આપી રહી છે સુરત પોલીસ. આ ઉપરાંત જરૂરી ચીજ વસ્તુ સાથેની કીટનું પણ વિતરણ કરાઇ રહ્યું છે. આશરે 500 જેટલા લોકોને આ કીટ પહોંચાડી પોલીસે માનવતા મહેંકાવી છે.

સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર -2, ડી.એન. પટેલના નેતૃત્ત્વમાં તેમની ટીમ ચોકબજાર ચાર રસ્તા અને અણુવ્રતદ્વાર સિટીલાઇટ ખાતે આશરે 1,000 જેટલા  લોકોને ભોજનની વ્યવસ્થા પૂરી પાડે છે. 

તો મદદનીશ પોલીસ કમિશનર  જે.કે. પંડ્યાના માર્ગદર્શન તળે પાંડેસરા વિસ્તારમાં પ્રતિદિન 500 લોકોને બન્ને ટાઇમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બન્ને વ્યવસ્થા છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર આર.આર. સરવૈયાના વડપણ તળે પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવી, ઘાંસુરા અને તેમની ટીમે બે દિવસમાં 500 કીટનું વિતરણ કર્યું હતું. જેમાં 5 કિલો ઘંઉનો લોટ, બે કિલો ચોખા,1 લીટર તેલ, 500 ગ્રામ મગ, 500 ગ્રામ મગની દાળ, 500 ગ્રામ ચણા, 500 ગ્રામ મગની ફોતરાવાળી દાળ, 500 ગ્રામ તુવેરદાળ, 2 કિલો મીઠું, 250 ગ્રામ મરચું, 250 ગ્રામ ધાણાજીરુ, 100 ગ્રામ હળદર અને 100 ગ્રામ આખું જીરુ, સાબૂ વગેરેનો સમાવેશ થાય છે.

ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મદદનીશ પોલીસ કમિશનર એ.પી. ચૌહાણ અને તેમની ટીમે પણ છેલ્લા ત્રણ દિવસથી લોકોને ભોજન મળી રહે તે માટેની વ્યવસ્થા શરૂ કરી છે. મહિધરપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. આર્ય અને તેમની ટીમે રેલવે સ્ટેશન તેમજ દિલ્હી ગેટ નજીકના ભીખારીઓ માટે પણ ભોજનની વ્યવસ્થા શરૂ કરી છે. આશરે 400 લોકો લાભ લઈ રહ્યા છે. તો લિંબાયત સહિતનાં અન્ય પોલીસ મથકોમાં પણ આ રીતે સેવાની જ્યોત પ્રજ્જવલ્લિત હોવાના સમાચારો સાંપડી રહ્યા છે.

24 કેરેટ મિઠાઇના માલિક તરફથી 1,000 લાડૂ તેમજ 500 કિલો મિઠાઈ (250 ગ્રામના પેકેટમાં) પોલીસને અર્પણ કરવામાં આવ્યા આવ્યા છે. જેનું વિતરણ ક્રાઇમ અને ટ્રાફિક પોલીસ કરી રહી છે.