મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં સિટી બસના ડ્રાઈવરને જ્યારે સીટબેલ્ટ ન હોવાને કારણે રૂપિયા 500નો દંડ કરવામાં આવ્ય ત્યારે ચાલક પાસે 500 રૂપિયા ન હતા. જેને કારણે પોલીસે બસ જ જમા લઈ લીધી હતી. જોકે આ ઘટનામાં પેસેન્જર્સને ઘણી પરેશાની ભોગવવી પડી છે. એક તો ડ્રાઈવરે કરેલી ભૂલને કારણે તેમને અધવચ્ચે ઉતરવાનું થતાં તમામે નિસાસો નાખ્યો હતો. જોકે બાદમાં મુસાફરો માટે અન્ય બસમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.

સુરતના એલબી ફાયર સ્ટેશન નજીક સીટ બેલ્ટ લગાવ્યા વિના ચાલક સિટી બસ (જીજે 5 બીએક્સ 3305) ચલાવતો હતો જેથી તેને ઊભો રખાવવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે બસના ડ્રાઈવરનું લાઈસન્સ ચેક કર્યું બાદમાં તેને રૂ. 500નો દંડ ફટકાર્યો હતો. જો કે, ચાલક પાસે રૂપિયા ન હોવાની વાત કરીને બસના માલિકને ફોન કરવા દોડાદોડી કરતો હતો. આખરે પોલીસે બસમાંથી મુસાફરોને ઉતારીને બસ કબ્જે લીધી હતી.

એકલવ્ય એપમાં નાંખીને ચેક કરતાં તે બસની માલિકી સુરતના મ્યુનિ. કમિશનરની હોવાનું જણાયું હતું. 2 માર્ચ, 2017ના રોજ સુરત આરટીઓમાં નોંધાયેલી આ બસ માટે હવે ચાલકના વાંકે બદલ માલિક એટલે કે મ્યુનિ. કમિશનરને દંડનો મેમો મોકલવામાં આવ્યો છે કે કેમ તેની જાણકારી મેળવાઈ રહી છે. જો કે, આ બસનો કબજો તો હાલ ટ્રાફિક પોલિસ પાસે છે. જ્યારે પોલીસે બસ કબજે કરી ત્યારે તમામ મુસાફરોએ પોતાને થતી હેરાનગતિને પગલે નિસાસો નાખ્યો હતો. બાદમાં તેમને અન્ય બસમાં વ્યવસ્થા કરાવી અપાઈ હતી.