મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: સુરતથી પ્રેમ પ્રકરણ મામલે ઘરેથી ભાગીને વડોદરાની હોટલમા રોકાયેલ પ્રેમિકાને મળવા પ્રેમી પહોંચ્યો હતો અને આ દરમિયાન સોમવાર રાત્રે પરિણીતાને શોધતી સુરત પોલીસ આવી પહોંચતા પ્રેમીએ હોટલના રૂમની બારીમાંથી કૂદી જતાં મોત નિપજ્યું હતું. પરિણીતાએ પણ બારીમાંથી કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ભારે જહેમત ઉઠાવીને તેને આમ કરતા અટકાવીને બચાવી લીધી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ પાસે આવેલી હોટલ અમિટીના બીજા માળેથી કૂદીને સુરતના ફેક્ટરીમાલિકે મોતનો ભૂસકો માર્યો હતો. પ્રેમી પાછળ કૂદવા જઇ રહેલી પ્રેમિકાને પોલીસે બચાવી દીધી હતી. પ્રેમી પાછળ કુદવા તૈયાર થયેલી પ્રેમિકાને પોલીસે કહ્યું હતું કે, તારા ગર્ભમાં રહેલા બાળકનો શું વાંક છે કહી બચાવી હતી. સયાજીગંજ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


 

 

 

 

 

રવિવારે બપોરે 449, ગઢપુર ટાઉનશિપ, સાસોદરા, તા.કામરેજ, જિ.સુરતના રહેવાસી અને સુરત લિંબાયત ખાતે કાપડની લૂમ્સની ફેક્ટરી ધરાવતો શરદ બેચરભાઇ ભીસરા(ઉં.30) રવિવારે બપોરે હોટલ અમિટીના રૂમ નં-102માં રોકાયો હતો. તેની સાથે તેની 24 વર્ષીય પરિણીત પ્રેમિકા પણ હોટલમાં રોકાઇ હતી. 19 ઓક્ટોબરે પરિણીતાના પતિએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેથી પરિણીતાને શોધવા માટે આવેલી સુરત પોલીસ હોટલ ખાતે આવી પહોંચી હતી. વહેલી સવારે 4 વાગ્યે પોલીસે દરવાજો ખખડાવતાં ગભરાયેલા યુવાને બારીમાંથી કૂદકો મારી દીધો હતો. તેની પાછળ યુવતી પણ મોતનો ભૂસકો મારવા માટે બારી સુધી પહોંચી હતી.

જોકે યુવાનનો પડવાનો અવાજ સંભળાતાં હોટલનો સ્ટાફ અને પોલીસ દોડી આવી હતી અને યુવતીને બચાવી લીધી હતી. સયાજીગંજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમી અને પ્રેમિકા બંને પરિણીત છે અને છેલ્લા દોઢ વર્ષથી બંને વચ્ચે પ્રેમપ્રકરણ ચાલતું હતું. યુવાનને બે વર્ષની પુત્રી છે અને તે પરિવારનો એકનો એક દીકરો હતો. ઘટનાની જાણ થતાં સુરત ખાતે રહેતાં યુવક અને યુવતીનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. યુવતીને લેવા માટે તેના પિતા આવ્યા હતા અને યુવકના મૃતદેહને લેવા માટે તેના મામા સહિતનાં પરિવારજનો આવ્યાં હતાં.

Advertisement


 

 

 

 

 

મળસ્કે સયાજીગંજની અમિટી હોટલમાં પ્રેમીએ પહેલા માળેથી કૂદકો માર્યા બાદ પરિણીત પ્રેમિકા પણ બારી પર આવી કૂદવાની તૈયારીમાં જ હતી. તે સમયે એક પોલીસ કર્મચારીએ પરિણીતાને સમજાવી જીવ બચાવ્યો હતો. 5 મિનિટની સમજાવટમાં થયેલા સંવાદ અત્રે પસ્તુત છે...

પોલીસ કર્મચારી : અમે તારા સાથે છીએ, મારી બેન.. તું દરવાજો ખોલી નાંખ.. 
પરિણીતા : પહેલા બચાવો એને..
પોલીસ કર્મચારી : 108 ને ફોન કર્યો.. તું બેન માની જા મારી વાત.. મારી બેન તું અંદર વઈ જા.. તું અંદર જતી રહે.. તારી સાથે બે જીવ છે.. તું પ્રેગનેન્ટ છે.. તું એવું પગલું નહિ ભર, છોકરાનો શું વાંક છે અંદર રહ્યો એનો.. 
પરિણીતા : એને બચાવો..
પોલીસ કર્મચારી : હું આને બચાવી લઉં છું.. મારી બેન.. તું બેન અંદર જતી રહે.. તું નીચે આવી જા, તને કોઇ તકલીફ નહિ થાય.. બેન.. તને કોઇ તકલીફ નહિ થાય.. બેટા.. તું પ્રેગનેન્ટ છે.. તને કઈ નહિ થાય.. અમે 108 બોલાવી લીધી છે.. એને કશું નહિ થાય.. આ બેન આવે છે.. તું અંદર જતી રહે.. તને સાથે રાખીશું.. જા તું અંદર ચાલી જા.. રૂમ ખોલ અંદરથી આ બેન તારી સાથે આવે છે.