મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ આંજણા ફાર્મ સાંઈ કૃપા ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં મનીઍન્ટર પ્રાઈઝના નામે ખાતુ ધરાવતા વિવર્સ પાસેથી દલાલ મારફતે અમદાવાદ અને રાજસ્થાનના ત્રણ વેપારીઓએ કુલ રૂ. ૧૭.૨૧ લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવી વિવર્સ દ્વારા ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ વરાછા ચીકુવાડી સરીતા સાગર સોસાયટીમાં રહેતા મૂળ રાજકોટ જસદણના ૪૦ વર્ષીય જીતેશ કાંતિભાઈ સતાણી આંજણા ફાર્મ સાંઈ કૃપા ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં મનીઍન્ટર પ્રાઈઝના નામે ખાતુ ધરાવે છે. જીતેશભાઈ પાસેથી ગત તા ૩જી ઓક્ટોબર ૨૦૧૯ના રોજ કાપડ દલાલ પ્રવીણ કરશન બંધાણિયા (રહે, શ્રીનાથજી રો હાઉસ, પરવત પાટિયા) મારફતે રાજસ્થાન ઉદયપુર સવિના મેઈન રોડખાતે વિવાહ ફેશનના માલીક વેનુસિંહ ખુમાસિંહ પરમારે અલગ અલગ બિલોથી રૂ. ૮,૯૩,૨૪૦, અમદાવાદ ઈદગાહ સર્કલ સિટી સેન્ટરમાં જય અંબે ટ્રેડર્સના માલીક પુથરાજ રાઠીઍ અલગ અલગ બીલોથી રૂ. ૬,૬૩,૭૫૩નો જયારે અમદાવાદ પુરુષોત્તમ માર્કેટ પાસે મંગલમ ક્રિઍશનના માલીક ઉત્તમસિંગ દેવીસિંગ રાજપૂતે રૂ. ૧,૬૪,૭૯૮નો મળી ત્રણેય વેપારીઓએ કુલ રૂ. ૧૭,૨૧,૭૯૧નો માલ ખરીદ્યો હતો. 

નક્કી કરેલી સમય મર્યાદામાં  વેપારીઓએ પેમેન્ટ નહીં ચૂકવતા જીતેશભાઈઍ પેમેન્ટ માટે ઉધરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચૂકવી આપવાના ખોટા વાયદા આપી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ પેમેન્ટ નહીં આપી ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.