મેરાન્યૂઝ નેટવર્ક.સુરત/નવી દિલ્હીઃ ગુજરાતની અસ્મિતાને દેશભરમાં ખરડી મુકનાર સુરતના પોલીસ કર્મચારી પર ખુદ નાણામંત્રી નિર્મલા સિતારામન પણ નારાજ થયા છે. આ પોલીસવાળાએ બેન્કમાં જ એક મહિલાને માર માર્યાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જે વીડિયો જોયા પછી ખુદ મંત્રી પણ પોતાની ભાવના વ્યક્ત કરતાં પોતાને રોકી શક્યા ન હતા. તેમણે જિલ્લા કલેક્ટરને તાત્કાલીક અસરથી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. (સીસીટીવી વીડિયો અહેવાલના અંતમાં દર્શાવ્યો છે)

મહિલા પર બેન્ક પરિસરમાં હાથ ઉપાડનાર સુરત સીટી પોલીસનો પોલીસવાળો છે. જાણકારી અનુસાર સુરતના સારોલી ખાતેની બેન્કમાં આ ઘટના ઘટી હતી. આ ઘટના પછી સુરત કમિશનરે તે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો છે.

સુરતના સરથાણાના ઘનશ્યામ નામના પોલીસ કોન્સ્ટેબલે સોમવારે સાંજે સારોલી ખાતેની બેન્કમાં જઈને પહેલા તો દાદાગીરી કરી હતી. તે અહીં પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે આવ્યો હતો. જે અંતર્ગત બેન્ક કર્મચારીએ ના પાડતાં તે ભડક્યો હતો. તેણે આવેશમાં આવીને એક મહિલા બેન્ક કર્મચારીએ મોબાઈલમાં વીડિયો શૂટ કરતાં કોન્સ્ટેબલ તેની સાથે મારામારી કરી મોબાઈલ ઝૂંટવી લીધો હતો. પણ આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જે વીડિયો વાયરલ થઈ જતાં ચારેકોર સુરત પોલીસ પર થૂ થૂ થવા લાગી હતી. બેન્કે પોલીસ કર્મચારી સામે પુણા પોલીસ મથકે ફરિયાદ પણ આપી હતી.

આ મામલાને લઈને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામનએ સુરત કલેક્ટરને તુરંત કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મહિલા બેન્ક કર્મચારી સાતે ગેરવર્તણૂંક મામલામાં સુરતના કલેક્ટર ધવલ પટેલ સાથે વાત કરાઈ છે. તે હાલ રજા પર છે પરંતુ તેમણે આશ્વાસન આપ્યું છે કે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, બેન્ક કર્મચારીઓની સુરક્ષા અને સમ્માનને નુકસાન પહોંચાડવાની પરવાનગી કોઈને ન આપી શકાય. પોલીસ તંત્રએ વિશ્વાસ આપ્યો કે કોન્સ્ટેબલને તત્કાલ સસ્પેન્ડ કર્યો.