મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ કોરોનાના વધતા કેસને પગલે ગુજરાત દેશ-દૂનિયામાં ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસને પગલે લાદવામાં આવેલા લોકડાઉનને પગલે ધંધા-રોજગાર બંધ છે, જોકે લોકડાઉન 4માં સરકારે કેટલીક છૂટછાટ જાહેર કરી હતી. જોકે અત્યાર સુધીના લોકડાઉનમાં પડેલી આર્થિક ભીંસ લોકોને માનસિક તણાવ આપી રહી છે, પરંતુ જે આ તણાવ સહન નથી કરી શક્તા તેઓ આત્મહત્યાનો રસ્તો અપનાવી રહ્યા છે, હાલમાં જ એક ઘટના પછી હવે આ વધુ એક ઘટના છે જેમાં આર્થિક ભીંસથી વ્યક્તિએ આત્મહત્યા કરી હોય

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા અભિનવ એપાર્ટમેન્ટમાં રહેતા શોભરાજ બટાની (42 વર્ષ)એ આત્મહત્યા કરી લીધી છે. તેઓ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના દલાલ તરીકે કામગીરી કરતાં હતા. લોકડાઉનના સમયમાં તેમનો વેપાર આર્થિક ભીંસમાં આવી ગયો હતો. તે છેલ્લા ઘણા સમયથી આર્થીક ભીંસને કારણે ચિંતામાં રહેતા હતા. તેમના પરિવારજનોનું કહેવું છે કે, તેઓને જ્યારે ચિંતા વિશે પુછતા ત્યારે તે મારું મગજ ખાલી થઈ ગયું છે, અથવા અન્ય જવાબ આપતા. પરિવારજનોએ એવું પણ જણાવ્યું કે, કોરોનામાં લદાયેલા લોકડાઉનને પગલે કાપડનું કામ હવે લગભગ દિવાળી પહેલા ચાલુ થાય તેમ નથી. જેને કારણે તેઓની આર્થિક ભીંસ વધી રહી હતી.

શોભરાજભાઈએ ગતરોજ પોતાના ઘરે રુમમાં ફાંસો ખાઈ લઈને અંતિમ પગલું ભર્યું હતું. પરિવારજનોએ આ અંકે પોલીસને જાણ કરતાં અડાજણ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી હતી.