પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હાલમાં વિવિધ સરકારી ઓફિસ, બેન્ક સ્ટાફ, ડૉકટર્સ અને નર્સીંગ સ્ટાફ, મીડિયા સહિત પોલીસ કોરોના સામેની લડાઈમાં દેશના લોકોને બચાવવા માટે પોતાની ચિંતા કર્યા વગર કામ કરી રહ્યા છે, કામના ભારણ અને દબાણમાં કયાંક ચુક થવાની પણ સંભાવના છે, આમ છતાં જે લોકો સલામત છે. તેઓને કાયમ સલામત રાખવાની જવાબદારી પોલીસના શીરે છે. કારણ વગર ઘરની બહાર નિકળતા લોકોને ઘરમાં મોકલી આપવાની જવાબદારી પોલીસની હોવાને કારણે અનેક સ્થળે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ પણ થાય છે છતાં પોલીસને અંદર રહેલા માણસે ઉત્તમ માણસ હોવાનું ઉદાહરણ પણ પુરૂ  પાડ્યુ છે.

ગુજરાતનું સુરત શહેર એ બીજુ મુંબઈ છે, જ્યારે દેશના વિવિધ રાજ્યના લોકો કામ માટે આવતા હોવાને કારણે કોરાનાનો ડર વધુ છે તેના કારણે સુરત પોલીસ લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરી રહી છે, આમ છતાં અનેક નાગરિકો માટે ઘરની બહાર નિકળવું અત્યંત જરૂરી છે, તેવા સંજોગાને પોલીસ પણ સમજે છે. તેવી ઘટના સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ ઘટી હતી. સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એમ એલ સાળુકે પોતાના વિસ્તારમાં નાકાબંધી કરી રહ્યા હતા. તેઓ કારણ વગર ઘરની બહાર નિકળી રહેલા લોકોને ઘરે પાછા મોકલી રહ્યા હતા.

આ વખતે એક સ્ત્રી તેના પતિ સાથે ચાલતી રસ્તા ઉપર નિકળી હતી, ઈન્સપેકટર સાળુકે આ દંપતીને જોતા જ ખ્યાલ આવ્યો કે મહિલા ગર્ભવતી છતાં કેમ ચાલતી નિકળી છે તેવો પ્રશ્ન પણ થયો, જ્યારે  સાળુકેએ આ દંપતીને અટકાવી પુછ્યું તો જાણકારી મળી કે મહિલા ગર્ભવતી છે અને તેનું નિયમિત ચેકીંગ અને સોનોગ્રાફી થવી જરૂરી છે. ઈન્સપેકટર સાળુકેને આશ્ચર્ય થયું કે આ દંપતી કેમ ચાલતું નિકળ્યું ત્યારે જાણવા મળ્યું કે પોલીસ વાહન ડીટેઈન કરે છે તેવી માહિતી હોવાને કારણે તેઓ પોતાનું વાહન હોવા છતાં ચાલતા નિકળ્યા છે.

આ પોલીસનું કામ ન્હોતુ પરંતુ ઈન્સપેકટર એમ એલ સાળુકેની અંદર રહેલો માણસ આ સંવેદના સમજી શકતો હતો, તેમણે તરત પોતાની સરકારી જીપમાં આ દંપતીને હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું એટલું જ નહીં, આ મહિલાના તમામ ટેસ્ટ પછી પોલીસની સરકારી ગાડી તેમને ઘરે પણ મુકી આવી હતી.