મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ સામાન્ય સંજોગોમાં પોલીસનું નામ પડે એટલે માણસના મગજમાં એવી છાપ ઉપશે કે માર  મારવો, ગાળો ભાંડવી, કડકાઈ-સખ્તાઈ કરવી. પણ, આ પોલીસના હૃદયના એક ખૂણામાં માનવતાની જ્યોત પ્રજ્વલ્લિત  હોવાનું ઉદાહરણ સુરત પોલીસે પૂરું પાડ્યું છે. પોલીસ કમિશનર સતીશ શર્માના માનવીય અભિગમના કારણે ચાર ગુનેગાર યુવાનો ગુનાખોરીની દુનિયામાંથી મુક્ત થયા અને ટ્રાફિક બ્રિગેડના યુવાનો તરીકે ફરજ બજાવતા થઈ ગયા છે અને મહિને રૂ. 9 હજાર માનદ્ વેતન મેળવી પરિવારજનોને મદદરૂપ બની રહ્યા છે.

શહેરના અલગ અલગ વિસ્તારમાં મારામારીથી લઈ તોડફોડ કરવા સુધીના ગુના કરનારા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ ગુનેગારોને ગુનાખોરીની દુનિયામાંથી મુક્ત કરાવી કામ-ધંધા તરફ વાળવા માટે પોલીસ કમિશનરે થોડા સમય પૂર્વે સમર્થ શીર્ષક તળે એક વ્યવસ્થા કાર્યરત કરી છે. જેના ફળ સ્વરૂપે ચાર યુવાનોને ગુનાખોરીની દુનિયામાંથી મુક્ત કરાવી ટ્રાફિક બ્રિગેડમાં નોકરી આપવામાં આવી છે. જે ચારેય હવે દર મહિને રૂ. 9 હજાર માનદ્ વેતન મેળવી પરિવારજનોને મદદરૂપ બની શકશે.

સુરત શહેર  પોલીસની સ્થિતિ જોઇએ તો છેલ્લાં ત્રણ વર્ષમાં આવા એક હજારથી વધુ બાળ ગુનેગારો કોઈને કોઈ ગુનામાં પકડાયા છે. જેમાંથી તબક્કા પ્રમાણે ટ્રેનિંગ આપવાની અને કાઉન્સેલિંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. 120 ગુનેગારોને ટ્રેનિંગ અપાઈ ચૂકી છે. કાઉન્સેલિંગ પણ થઈ ચૂક્યું છે. એ તમામને ટૂંક સમયમાં ખાનગી કંપનીમાં કામ-ધંધો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યું હતું કે ચાર યુવાનો એવા છે જે ગુનો કરતી વખતે કાયદાના સંઘર્ષમાં એટલે કે 18 વર્ષથી ઓછી વયના હતા. આજે ચારેય પુખ્ત બની ગયા છે. જેથી આ ચાર યુવાનો સની નિમજે (ઉ.વ.20, રહે) નવાગામ-ડિંડોલી), રવીન્દ્ર દીપકભાઈ કેદાર (ઉ.વ.20, રહે: ઉધના), સૈયદ મોહસીન સૈયદ સુલતાન (ઉ.વ.19,, રહે: સલાબતપુરા) અને કલ્પેશ બેન્સારી (ઉ.વ.19, રહે: વેડરોડ)ને ટ્રાફિક બ્રિગેડમાં તા. 1-7-18થી નિમણૂક આપવામાં આવી છે.

સમર્થમાં કઈ રીતે  કામગીરી કરવામાં આવે છે?

સમર્થની વ્યવસ્થામાં જે તે વિષયના તજજ્ઞોની મદદ લેવામાં આવી રહી છે. મનોચિકિત્સકથી લઈ અન્ય નિષ્ણાત લોકોની મદદ લઈ કાયદાના સંઘર્ષમાં આવેલાની માનસિકતા બદલવામાં આવે છે. એટલે કે ગુનાખોરીની દુનિયા કેટલી જોખમી અને ખતરનાક છે તે મુદ્દે તેને સમજાવવામાં આવે છે. ત્યાર પછી તેમાંથી મુક્ત થવા અંગેની જાણકારી આપવામાં આવે છે. આટલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જેને જે કામ-ધંધામાં રુચિ હોય તેની જાણકારી મેળવવામાં આવે છે અને એ રીતે અલગ અલગ ખાનગી કંપનીમાં કામ-ધંધો મળી રહે તેવી વ્યવસ્થા પોલીસ કરી રહી છે.